સૌરાષ્ટ્ર તરફથી ઉપડતી 22 જેટલી ટ્રેનો એક મહિના સુધી બંધ રહેશે

શનિવાર, 4 જુલાઈ 2015 (15:07 IST)
તાજેતરમાં અમરેલી જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિ અને ભારે વરસાદની તારાજીના કારણે જાનહાની ,માલ મિલકત અને પશુઓ સહિત જમીન ધોવાણ ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે તેની સાથે સાથેજ રેલવે માર્ગને પણ નુકસાન થતાં હજુ પણ સૌરાષ્ટ્ર તરફથી ઉપડતી અંદાજે 22 જેટલી ટ્રેનો એક મહિના સુધી બંધ રહેશે 

રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર  ભાવનગર ડિવિઝનમાં થયેલા વ્યાપક નુકસાનમાં સાવરકુંડલાથી મોટા લીલિયા સુધીનો 5 કિલોમીટર સુધીનો માર્ગસંપૂર્ણ પણે નાશ પામતા અંદાજે 9 કરોડનું નૂકસાન થયું છે. વરસાદના કારણે રેલવે ટ્રેક નીચેની માટી ધોવાઇ જતાં પાટા"નું લેવલિંગ સંપૂર્ણપણે નીકળી ચુક્યું છે . તેવી જ રીતે અમરેલી ચલાલા વચ્ચે 2 કિ.મી. અને તલાલા - દેલવાડા વચ્ચે દોઢ કિમી નો રેલવે ટ્રેક  સંપૂર્ણ ધોવાઇ ગયો છે. ભાવનગર ડિવિઝનમાં અમરેલી જિલ્લામાં સૌથી વધારે નુકસાન થયું છે. વેરાળ, કોડીનાર, ગોંડલ, તલાલા, દેલવાડા વગેરેમાં હાલ રાત દિવસ માર્ગ મરામતની કામગીરી ચાલુ છે.આ ઉપરાંત  અન્ય ડિવિઝનોના માણસોને તેમ જ ખાનગી માણસોને પણ કામે લગાડાયા  છે. કોન્ટ્રાક્ટ બેઝ પર તેમ જ વિભાગીય લેવલે કામગીરી ચાલુ છે. પરંતુ ડિવિઝનમાં અત્યારે 22 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવેલી છે.

રેલવેને ઇન્ફ્રાસ્ટ્રકચરનું નુકસાન થયું હોવા ઉપરાંત  ટ્રેનો બંધ રહેતાં આવકમાં પણ ઘટાડો થયો  છે. બન્ને નુકસાની મળીને લગભગ રૂ. 100 કરોડનું નુકસાન ભાવનગર ડિવિઝનને થયાનો પ્રાથમિક અંદાજ છે. ગઇકાલ સુધીમાં માર્ગ મરામતનું 20 ટકા કામ પૂરું થયું છે. શુક્રવાર સુધીમાં 40 ટકા કામ પૂર્ણ કરાશે. તેવું ભાવનગર ડિવિઝનના , ડીઆરએમ દ્વારા જાહેર કરાયું છે જો કે સંપૂર્ણ કામગીરી પૂર્ણ થતા હજુ એક મહિનાનો સમય લાગશે.

વેબદુનિયા પર વાંચો