સોમવારે ભાજપની મહત્વની બેઠક

શનિવાર, 26 ડિસેમ્બર 2015 (16:26 IST)
ગુજરાત પ્રદેશ ભાજપની બેઠક તા.૨૮મીએ સાંજે ૫ વાગ્‍યે અમદાવાદ પ્રદેશ કાર્યાલયમાં મળનાર છે જેમાં  સ્‍થાનિક ચૂંટણીના પરિણામનું પોષ્‍ટમોર્ટમ થાય તેવા વાવડ છે.
 
ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખની સીધી જાહેરાત થાય તેવા સંકેતો વચ્ચે ૨૮ ડિસેમ્બરને સોમવારે પ્રદેશ કારોબારીની બેઠક યોજાઇ રહી છે. સ્થાનિક ચૂંટણીઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં સજ્જડ હાર થયા પછી મળી રહેલી આ બેઠકમાં પરિણામોની સમીક્ષા કરતાં સંગઠનની ચૂંટણીની બાકી પ્રક્રિયા, નવા સંગઠનાત્મક કાર્યક્રમોથી પ્રજા સાથેનો નાતો વધારવા, ફેબ્રુઆરીમાં યોજાનારી ૨૬ નગરપાલિકા અને એના પછી યોજાનાર ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીઓની ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે.
 
પ્રદેશ બેઠકમાં રાજયભરના જિલ્લા પ્રમુખ, મહામંત્રીથી માંડીને સ્થાનિક ચૂંટણીઓમાં નિમાયેલા નિરીક્ષકોથી માંડીને પ્રદેશ કારોબારીમાં આવતા તમામ અપેક્ષિતો અને આમંત્રિતો મળી પાંચસો કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ બેઠક કોબા ખાતે આવેલા પ્રદેશ કાર્યાલય શ્રીકમલમ ખાતે મળશે. સોમવારે બપોરે પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાશે. જેમાં પ્રદેશ બેઠકનો એજન્ડા નક્કી કરાશે. પાટીદાર આંદોલન અને એ પછી યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં શહેરી વિસ્તારોને બાદ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં રાજયભરમાં ભાજપનું જબ્બર ધોવાણ થયું છે.
 
આ પરિણામોના વિશ્લેષણ સાથેના અહેવાલો પણ જિલ્લાઓમાંથી હજુ કોઇએ મગાવ્યા નથી એટલે તેની પ્રાથમિક ચર્ચા પ્રદેશ બેઠકમાં થઇ શકે છે, તેમ એક આગેવાને ઉમેર્યું હતું. બે મહિનાથી ઠેલાયેલી પ્રદેશ સંગઠનની સંરચનાની કામગીરી નવા પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં જ થાય એવા સ્પષ્ટ સંકેતો મળી શકે છે. પ્રદેશ નેતાગીરી એવુ માને છે કે, નવા પ્રમુખ જ જિલ્લાના વડાઓની નિમણૂક કરે અને એના મારફ્તે મંડલની ટીમ રચાય તો પ્રદેશથી બુથ કમિટી સુધીની ટીમ એક સૂત્રથી બંધાયેલી રહે.
 
પક્ષના બંધારણ પ્રમાણે બુથ કમિટીઓની રચના પછી મંડલ અને તે પછી જિલ્લા સમિતિની રચના થઇ જાય. આ પછી પ્રદેશ પ્રમુખની સંરચના થતી હોય છે. પરંતુ હવે રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા જાન્યુઆરીમાં પૂરી કરવામાં આવનાર હોવાથી પ્રમુખની પસંદગી વહેલી થઇ જશે. પ્રમુખપદે ક્ષત્રિય ચહેરો પસંદ થાય એવું કાર્યકરો માની રહ્યા છે.
 
આમ છતાં ભાજપ રાજકીય પ્રયોગોને મહત્વ આપતું આવ્યું છે ત્યારે છેલ્લી દ્યડીએ કોઇ નવા જ ચહેરાને જવાબદારી સોંપાઇ જાય તો નવાઇ નહીં.
 
પ્રદેશ બેઠક પહેલાં જ કચ્છમાં આનંદીબહેનનું મંથન પાટીદાર આંદોલનથી ડહોળાયેલા વાતાવરણ વચ્ચે સ્થાનિક ચૂંટણીઓમાં રાજયભરમાં ૫૦થી વધારે જાહેરસભાઓ અને બે વિશાળ રોડ શો યોજીને ભાજપ માટે પ્રચાર કરનાર મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પક્ષમાં નવુ જોમ ભરવા માટે, નવા વિચારોના મંથન માટે કચ્છ પર જાણે પસંદગી ઉતારી હોય એમ ત્રણ દિવસના પ્રવાસે કચ્છ પહોંચ્યા છે. પ્રદેશની બેઠક પૂર્વે જ મુખ્યમંત્રી પોતાના સાથી અને શિક્ષણ રાજયપ્રધાન વસુબેન ત્રિવેદી સાથે કચ્છના ધોરડો પહોંચ્યા છે. રણોત્સવના વિધિવત ઉદદ્યાટન બાદ ૨૪મીએ ધોરડો રોકાશે અને ૨૫મીએ બપોરે ભોજન કર્યા પછી ગાંધીનગર પરત ફ્રશે.
 
રાષ્ટ્રીય સ્તરેથી રિપોર્ટ કેમ ન મગાવાયો? ભાજપના મોડેલ સ્ટેટ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં જે રીતે ભાજપનું ધોવાણ થયું છે તેનાથી ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં શાસક પક્ષ એનું અસ્તિત્વ ટકાવી શકશે કે કેમ તેનો જવાબ ખુદ ભાજપના આગેવાનો આપી શકતા નથી. સામાન્ય રીતે આવા પરિણામો પછી રાષ્ટ્રીય સ્તરેથી પ્રદેશ આગેવાનો પાસેથી રિપોર્ટ મગાવાતો હોય છે અને આ રિપોર્ટ લઇને દિલ્હી ચર્ચા કરવા જવાની હોય છે. પરંતુ ગુજરાતમાં આટલી કારમી હાર પછી આવી કોઇ પ્રક્રિયા થઇ નથી તેની ચર્ચા હાલ ભાજપમાં અંદરખાને થઇ રહી છે.
હાલ ભાજપમાં કોઇ આગેવાન સ્વયં જવાબદારી સ્વીકારીને કામ કરવાને બદલે આદેશની રાહ જોઇને બેઠો છે. આ સંજોગોમાં એવી ચર્ચાએ જોર પકડ્‌યું છે કે, કચ્છમાં મુખ્યમંત્રી આનંદીબહેન, પ્રમુખ ફ્ળદુ અને મહામંત્રી દલસાણીયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવા હેતુથી જ ગયા હતા. એરપોર્ટ પર સાક્ષી એવા અધિકારિક સૂત્રો કહે છે કે, વડાપ્રધાને પ્રદેશના આગેવાનોને અપેક્ષિત રિસ્પોન્સ આપ્યો ન હતો. આ મુદ્દાએ પણ પક્ષમાં ઠીક ઠીક હલચલ પેદા કરી છે.

વેબદુનિયા પર વાંચો