સોમવારે જામનગરે કેટલાય રેકૉર્ડ તોડી નાખ્યા

બુધવાર, 26 નવેમ્બર 2014 (18:01 IST)
જામનગરના દગડૂશેઠ ગણપતિ સમિતિના કાર્યકરોએ સોમવારે જામનગરમાં કુલ આઠ વલ્ર્ડ રેકૉર્ડ બનાવ્યા તો આ આઠ રેકૉર્ડ એક જ દિવસમાં એક જ સિટીમાં બન્યા એ પણ નવમો રેકૉર્ડ બન્યો. જામનગરમાં બનેલા આ રેકૉર્ડમાંથી છ રેકૉર્ડ દુનિયાની સૌથી લાર્જેસ્ટ પ્રોડક્ટ બનાવવાના હતા તો બે રેકૉર્ડ ઇન્ડિવિજ્યુઅલ હતા. દગડૂશેઠ ગણપતિ સમિતિ દ્વારા આ અગાઉ પણ ત્રણ વલ્ર્ડ રેકૉર્ડ બનાવવામાં આવ્યા છે, જેમાં સૌથી લાંબી ૮૬.૩ ફૂટ લાંબી બાઇક, ૧૪૫ કિલો વજનવાળો સૌથી મોટો રોટલો અને સૌથી ઊંચી અગરબત્તીનો સમાવેશ થાય છે. સોમવારના એક જ દિવસમાં આઠ રેકૉર્ડ બનાવવા માટે દગડૂશેઠ ગણપતિ સમિતિના કાર્યકરોએ એઇટ વન્ડર ગ્રુપ બનાવ્યું હતું અને એ ગ્રુપના નેજા હેઠળ આ રેકૉર્ડ બનાવવામાં આવ્યા હતા. એઇટ વન્ડર ગ્રુપના પ્રેસિડન્ટ અનિલ મહેતાએ કહ્યું હતું, ‘ગિનેસ બુકમાં રેકૉર્ડ નોંધાવવો હોય તો એની ફી અને બીજો ખર્ચ ઑફિશ્યલી આપવાનો હોય છે, પણ એક જ દિવસમાં આઠ રેકૉર્ડની વાત હતી એટલે ગિનેસ બુકની ટીમે સ્થાનિક સરકારી અધિકારીને એ રેકૉર્ડની ચકાસણી કરવાનું કામ સોંપવાને બદલે પોતાના ખર્ચે રેકૉર્ડ નોંધણી માટે જામનગર આવી.’

સોમવારે જામનગરમાં બનેલા આઠ રેકૉર્ડમાંથી જે છ લાર્જેસ્ટ પ્રોડક્ટ રેકૉર્ડ બન્યા એમાં દુનિયાનો સૌથી મોટો પાવડો (૪૨ ફૂટ લાંબો અને ૯.૯ ફૂટ પહોળો), ડાયામીટર માપવા માટેનું કૅલિપર (૪૦ ફૂટ લાંબું અને ૭ ફૂટ પહોળું), દાતરડું (૧૪.૩ ફૂટ લાંબું અને ૪૧ ઇંચ પહોળું), શીલ્ડ (૨૦ ફૂટ ઊંચી અને ૧૪ ફૂટ પહોળી), ખપારી (૪૦ ફૂટ લાંબી અને ૧૯ ફૂટ પહોળી) અને કાખઘોડી (૪૧ ફૂટ લાંબી અને ૧૮ ઇંચ પહોળી)નો સમાવેશ થાય છે. આ તમામ પ્રોડક્ટમાંથી પાવડો, દાતરડું અને ખપારી ઍગ્રિકલ્ચર પ્રોડક્ટ છે તો કૅલિપર એન્જિનિયરિંગ પ્રોડક્ટ છે; જ્યારે કાખઘોડી શારીરિક અક્ષમતા ધરાવતી વ્યક્તિના વપરાશમાં આવતી હોય છે અને શીલ્ડ ઇનામવિતરણ સમયે આપવામાં આવે છે. આ તમામ પ્રોડક્ટ બનાવવામાં એઇટ વન્ડર ગ્રુપને છ મહિના લાગ્યા હતા અને એ બનાવવામાં કુલ સો વ્યક્તિઓની મદદ લેવામાં આવી હતી.

આ જ ગ્રુપ દ્વારા બે ઇન્ડિવિજ્યુઅલ રેકૉર્ડ પણ બનાવવામાં આવ્યા હતા, જેમાં ફ્રૉગ જમ્પ (એક જ બેઠકે ૬.૬ ફૂટનો જમ્પ) અને બન્ને કાંડાંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરવવાનો રિસ્ટ-રોટેશન રેકૉર્ડ (એક મિનિટમાં ૨૭૦ વખત) પણ બનાવવામાં આવ્યો હતો.
------------------------------

વેબદુનિયા પર વાંચો