સોમવારે ગુજરાત કોંગ્રેસ ગાંધીનગર ખાતે ખેડૂતો સાથે ઉમટી પડશે

શનિવાર, 30 માર્ચ 2013 (14:59 IST)
P.R
સરકારે પસાર કરેલા ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા વિધેયકનો વિરોધ કરવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી તા.૧લીએ ગાંધીનગરમાં ખેડૂતોનું મહાસંમેલન યોજવાનું આયોજન કરાયું છે.

કોંગ્રેસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોને સિંચાઈ અને પાણી મેળવવા પર પ્રતિબંધ ફરમાવતાં તેમજ બોર કરવા પર પ્રતિબંધ સહિતની અનેક બાબતો પર મનાઈ ફરમાવતો કાયદો લાવી છે. ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા વિધેયક ર૦૧૩ના નામે લવાયેલા પાણીના કાળા કાયદાનો ખેડૂતોમાં અંદરખાને ઉગ્ર વિરોધ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ આ કાળા કાયદાનો વિરોધ કરવા લડતના મંડાણ કરાયા છે.

સોમવારે સવારે ૧૦ વાગ્યે ગાંધીનગર ખાતે પથિકાશ્રમ સામેના મેદાનમાં ઘ-૩ ખાતે વિશાળ ખેડૂત મહાસંમેલન યોજવાનું આયોજન કરાયું છે. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, કેન્દ્રીય મંત્રીઓ દિનશા પટેલ, ભરતસિંહ સોલંકી તુષાર ચૌધરી સહિતના ઉપસ્થિત રહેશે.

વેબદુનિયા પર વાંચો