સુનિતા વિલિયમ્‍સ એપ્રિલમાં ગુજરાતના મહેમાન બનશે

શુક્રવાર, 15 માર્ચ 2013 (16:02 IST)
P.R
ગુજરાતી મૂળના સુનિતા ૪ એપ્રિલે વતનની મુલાકાતે આવશે. અંતરીક્ષ ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઇચ્‍છતા વિદ્યાર્થીઓને તેઓ પોતાની આ યાત્રા દરમિયાન પ્રોત્‍સાહિત કરશે. સુનીતા વિલિયમ્‍સ એક મહિલા તરીકે અંતરીક્ષમાં સૌથી વધુ સમય રહેવાનો રેકોર્ડ ધરાવે છે.

૩જી એપ્રિલે ગુજરાતમાં આગમન કર્યા બાદ પાંચમી એપ્રિલે તેઓ અમદાવાદમાં સાયન્‍સ સીટી ખાતે એન્‍જીનિયરીંગ અને સાયન્‍સના વિદ્યાર્થીઓને સંબોધશે. સુનીતાના પિતા દિપકભાઇ પંડયા મહેસાણાના જુલાસણ ગામના છે. અંતરિક્ષમાં બીજી વખત જઇ સુનીતાએ ૧૨૭ દિવસનું લાંબુ રોકાણ કરી ઇતિહાસ રચ્‍યો હતો. તેમની આ ઐતિહાસિક અંતરીક્ષ યાત્રા ૨૦મી નવેમ્‍બર, ૨૦૧૨ના રોજ પૂર્ણ થઇ હતી. આમ આ સિધ્‍ધી મેળવ્‍યા બાદ તેઓ પ્રથમ વખત ભારત આવી રહ્યા છે. ૧લી એપ્રિલે તેઓ ભારત પહોંચશે અને ત્રીજીએ ગુજરાત આવશે.

પરિવારના સભ્‍યોએ જણાવ્‍યું હતું કે અંતરીક્ષમાં અનોખો રેકોર્ડ સર્જયા બાદ સુનિતા ભારત આવવા આતુર છે. ૨૦૦૭માં અંતરીક્ષની પ્રથમ યાત્રા બાદ પણ તેઓ ગુજરાતની યાત્રાએ આવ્‍યા હતા. સુરક્ષાલક્ષી કારણોને લીધે સુનિતાની આ યાત્રા અંગે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી.

અહેવાલ મુજબ ૧લી એપ્રિલે ભારત આવ્‍યા બાદ બીજી એપ્રિલે આખો દિવસ તેઓ દિલ્‍હીમાં રહેશે અને રાષ્‍ટ્રપતિ પ્રણવ મુખર્જી તથા વડાપ્રધાન મનમોહનસિંહને મળવા જઇ શકે છે.

૩જી એપ્રિલે મુંબઇની મુલાકાતે જશે અને ત્‍યાં મહિલાઓની હોસ્‍ટેલનું ઉદ્‌ઘાટન કરે તેવી શકયતા છે. મુંબઇથી અમદાવાદ આવ્‍યા બાદ ૪થી એપ્રિલે પોતાના ગામ જુલાસણા જઇ દાઉલા માતાજીના મંદિરે દર્શન કરવા જશે. એપ્રિલના પ્રથમ સપ્‍તાહના અંતે તેઓ અમેરિકા પરત ફરી શકે છે.

વેબદુનિયા પર વાંચો