સામખિયાળી ટોલનાકા પર લોકોના મોટા ટોળાના હુમલો

બુધવાર, 20 મે 2015 (17:30 IST)

કાયમ ચર્ચામાં રહેલા સામખિયાળી ટોલનાકા પર લોકોના મોટા ટોળાએ હુમલો કરી જોરદાર પથ્થરમારો અને કેબિનોમાં તોડફોડ કરતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લાકડીઓ, પાઇપો જેવા હથિયારો સાથે ત્રાટકેલા ટોળાએ ટોલનાકાના કર્મચારીઓને કેબિનની બહાર ખેંચી માર મારતાં હોહા મચી ગઇ હતી. વિફરેલા ટોળાને કાબૂમાં લેવા પોલીસે બળનો ઉપયોગ કરતાં ટોળાએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરતાં એક તબક્કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ હતી. જોકે પોલીસની વધુ કુમક બોલાવ્યા બાદ મામલો થાળે પડયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે સામખિયાળી ટોલ નાકા પર કંપની દ્વારા અવારનવાર ટોલ ટેકસમાં વધારો કરાય છે. બીજી તરફ ટોલ નાકા પર ફરજ બજાવતા કર્મચારીઓ પણ વાહનચાલકો સાથે તોછડાઇભર્યું વર્તન કરતા હોવાથી વારંવાર બબાલ થતી જોવા મળે છે. બે દિવસ અગાઉ પણ રબારી પરિવારનો એક યુવાન તૂફાન જીપ લઇ ટોલ નાકા પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ટોલ નાકાના કર્મચારીઓ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતને પગલે ર૦૦થી રપ૦ જેટલા લોકોનું ટોળું ટોલ નાકા પર ત્રાટકયું હતું.
લાકડીઓ, પાઇપો અને ધારિયા જેવા મારક હથિયારો સાથે ત્રાટકેલા ટોળાએ ટોલ નાકાના કર્મચારીઓને કેબિનની બહાર ખેંચી ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ કમ્પ્યૂટર અને અન્ય ચીજવસ્તુુઓની તોડફોડ કરી હતી. એટલું જ નહીં વિફરેલાં ટોળાંએ ટોલ નાકા પર જોરદાર પથ્થરમારો કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટોલ નાકાના કેટલાક કર્મચારીઓ તો ભયના કારણે ટોલ નાકું છોડી નાસી છૂટયા હતા.
મળતી માહિતી પ્રમાણે ટોળાએ કરેલા હુમલામાં ટોલ નાકાના છ જેટલા કર્મચારીઓને ગંભીર ઇજાઓ પહોંચતાં તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કાફલા સાથે ટોલ નાકા પર પહોંચી જઇ વિફરેલાં ટોળાંને કાબૂમાં બળનો પ્રયોગ કર્યો હતો, પરંતુ ટોળાએ ઉશ્કેરાઇ જઇ પોલીસ સાથે પણ ઝપાઝપી કરતાં મામલો વધુ બીચકયો હતો. પોલીસે વધુ કુમક બોલાવતાં મોડી સાંજે મામલો થાળે પડયો હતો. બેથી ત્રણ કલાક ચાલેલી આ બબાલને કારણે કચ્છ તરફથી આવતો અને જતો બંને તરફનો ટ્રાફિક જામ થઇ જતાં વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતા. પોલીસે સીસી ટીવી કેમેરાના ફૂટેજના આધારે ઓળખાયેલા શખ્સો સામે ગુનો દાખલ કરી ધરપકડની તજવીજ હાથ ધરી છે. 

વેબદુનિયા પર વાંચો