સમસ્ત ખારવા સમાજનાં મેળાનો પ્રારંભઃ લોકો ઘરવખરી સાથે તંબુ તાણી ત્યાં જ રહે છે

શનિવાર, 23 ઑગસ્ટ 2014 (11:19 IST)
ચોરવાડ ખાતે આવેલા ઝુંડ માતાજીના મંદિરે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા ૧૦૦ વર્ષ જૂની પરંપરા મુજબ તા.૨૩મીથી પાંચ દિવસ મેળો યોજાશે. તેમાં ખારવા સમાજના લોકો ઘરવખરી સાથે તંબુ તાણી પાંચ દિવસ સુધી ત્યાં જ રહી અને મેળો માણશે.

વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા ૧૦૦ વર્ષ જૂની પરંપરાગત મુજબ ચોરવાડમાં ઝુંડ માતાજીનો મેળો તા.૨૩.૮થી તા.૨૭.૮ સુધી યોજવામાં આવ્યો છે. સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તથા અધ્યક્ષ કિશોરભાઈ કુહાડાના માર્ગદર્શન હેઠળ સમસ્ત ખારવા સમાજના ૫૦થી ૬૦ હજાર ભાઈઓ બહેનો બાળકો યુવાનો આગેવાનો તથા દરેક સમાજના પ્રમુખ આ મેળામાં ઉપસ્થિત રહેશે. સમસ્ત ખારવા સમાજ તરફથી મેળામાં આવતા તમામ લોકોને માટે પ ીવાના પાણી, આવવા જવા માટે એસ.ટી. બસની સુવિધા અને રહેવા માટે ઓટલા, સાફ સફાઈ, લાઈટ રોડ રસ્તા સહીતની વ્યવસ્થા કરવામાં આવે છે.
ચોરવાડના આ મેળામાં ગરીબ હોય કે ધનવાન બધા પરીવારો સાથે તંબુ બાંધીને ઘરવખરી સાથે પાંચ દિવસ હળી મળીને રહે છે. અને મેળો માણે છે. સ્થળ ઉપર જાતે જમવાનું રહેવાનું અને ચા પાણીની વ્યવસ્થા કરે છે. ચોરવાડ ઝુંડ માતાજીના પુજાવિધી તા.૨૬ના રોજ સવારે ૬ વાગ્યે ખારવા સમાજના પટેલના હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવશે. તા.૨૭.૮ના રોજ આ મેળા પુર્ણ થતા કારવા સમાજના માચ્છીમારો પોત પોતાના ફીશીંગ ધંધાની શરૃઆત કરે છે. અમાસ તથા એકમના ૨ દિવસ લોક સાંસ્કૃત કાર્યક્રમ ડી.જે. પાર્ટી સાથે બહેનોના ગરબાના કાર્યક્રમ રાખવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો