વિધાનસભા બજેટ સત્ર 17મીથી શરૂ

વેબ દુનિયા

બુધવાર, 21 જાન્યુઆરી 2009 (20:38 IST)
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને બુધવારે મળેલી મંત્રી મંડળની એક બેઠકમા ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર આગામી 17મીથી 27મી ફેબ્રુઆરી સુધી બોલાવવા માટે મંત્રી મંડળની ભલામણ રાજ્યપાલને મોકલવા નિર્ણય લેવાયો હતો.

રાજ્ય સરકારના પ્રવક્તા એવા આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે આજે પત્રકારોને જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગુજરાતનું સને 2009-2010નું સંપૂર્ણ વાર્ષિક બજેટ રજુ કરવાને બદલે વોટ ઓન એકાઉન્ટનો પ્રસ્તાવ રજુ કરશે.

તેમણે જણાવ્યું કે, તા.17 ફેબ્રુઆરી 2009ના દિવસે રાજ્યપાલ વિધાનસભાને સંબોધશે અને વિધાનસભાના સત્રનો પ્રારંભ થશે. એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે, લેખાનુદાન ચાર માસ માટેના ખર્ચાઓ માટેનું હશે. ઉપરાંત જરૂરી નિર્ણયો લેવાશે. ચાર માસ બાદ ફરીથી વિધાનસભા સત્ર મળશે જેમાં સંપૂર્ણ બજેટ રજૂ થશે.

વેબદુનિયા પર વાંચો