વિજય રૂપાણીએ વર્ગ શિક્ષક તરીકે બાળકોના લેખન-વાંચન-ગણનનું સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યુ

મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (11:32 IST)

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની ૩૪ હજાર ઉપરાંત પ્રાથમિક શાળાઓના પ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણ મૂલ્યાંકનના અભિયાન સાતમા ગુણોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ ચોટીલાની કાળાસર પ્રાથમિક શાળાથી કરાવ્યો હતો. વિજય રૂપાણી આજે સવારે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાની કાળાસર પ્રાથમિક શાળામાં પહોચ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓની સમૂહ પ્રાર્થનામાં સહભાગી થઇ ૩૧૬ બાળકો સાથે વિવિધ વર્ગખંડમાં જઇને રસપ્રદ પ્રશ્નોત્તરી સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીએ આ અભિયાનના નેતૃત્વકર્તા તરીકે નહિપરંતુ શિક્ષક સહજ ભાવે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ગણિતસામાજિક વિજ્ઞાનઅંગ્રેજીગુજરાતી અને સામાન્યજ્ઞાન વિષયક પ્રશ્નોત્તરી કરી હતી. વિજય રૂપાણીએ આ બાળકોનું ગણિત જ્ઞાન તેમજ સુલેખન અને વાંચન ક્ષમતા પણ ચકાસ્યા હતા. તેમણે બાળકો સાથે શાળા સંકુલમાં બેસીને ભોજન પણ લીધુ હતું અને સરળતાસહજતાના દર્શન કરાવ્યા હતા. બાળકો સાથે કારકીર્દી ઘડતરની રસપ્રદ છણાવટ કરી અને શિક્ષકોને પણ શાળા શિક્ષણમાં વધુ પ્રાણ કેમ પૂરી શકાય તેનું ગહન માર્ગદર્શન આપ્યું હતું. રાજય સરકારના ભાર વિનાના ભણતર અભિગમ અન્‍વયે શાળામાં ચાલતા પ્રજ્ઞાવર્ગની પણ મુલાકાત લીધી હતી. પ્રવૃત્તિ થકી શિક્ષણ આપવાના નૂતન તરીકા શિક્ષકોને શિખવ્‍યા હતા. બાળકો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિમાં  રૂપાણી પણ જોડાયા હતા અને આ પ્રવૃત્તિને રસપૂર્વક નિહાળી હતી. શાળા વ્‍યવસ્‍થાપન સમિતિ સાથેની બેઠકમાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કેગુજરાતના ગરીબ બાળકોની ચિંતા રાજય સરકારે કરી છે. આવા બાળકોને ઉચ્‍ચ શિક્ષણ પણ સાવ નિઃશુલ્‍ક આપવામાં આવે છે. હોસ્‍ટેલ પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. રાજ્ય સરકાર દરેક બાળકને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે સંપૂર્ણ પ્રતિબધ્ધ છે.  તેમણે ર૧મી સદી જ્ઞાનની સદી છે ત્યારે વૈશ્વિક શિક્ષણ ગ્રામીણ બાળકોને પણ ઘરઆંગણે મળી રહે તે માટે સરકારી શાળાઓને આવનારા દિવસોમાં ડિઝીટલ-સ્માર્ટ કરવાની નેમ વ્યકત કરી હતી.  ગામના શિક્ષત નાગરિકોને શાળાની પ્રવૃત્તિઓમાં રસ લેવા અનુરોધ કર્યો હતો અને શિક્ષિત યુવાનો બાળકોના શિક્ષણ માટે અઠવાડિયાન ચાર કલાક ફાળવે તેમ જણાવ્‍યું હતું.

વેબદુનિયા પર વાંચો