વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરો માટે મતદાન ફરજિયાત કરવાનો નિર્ણય, વિધાનસભામાં આ અંગેનું બિલ રજૂ

શુક્રવાર, 28 ઑગસ્ટ 2015 (16:10 IST)

આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરજિયાત મતદાન અંગેનો નિર્ણય કોર્ટમાં છે, પરંતુ હાલના તમામ અને પૂર્વ કોર્પોરેટરો માટે મતદાન ફરજિયાત કરવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. 

રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં આ અંગેનું બિલ રજૂ થયું છે. તે મુજબ મતદાન નહીં કરવા માટે કોર્પોરેટરને ગેરલાયક ઠરાવવાની જોગવાઈ સુધ્ધાં કરવામાં આવી છે. અગાઉ પંચાયતોમાં આ નિયમ લગુ કરાયો છે, જે હવે મહાનગરપાલિકામાં પણ લાગુ પડશે, જેથી હવે વર્તમાન અને પૂર્વ કોર્પોરોટરોએ ફરજિયાત મતદાન કરવું પડશે. જેમાં છૂટછાટ અતિ મર્યાદિત છે. 
સરકાર માને છે કે ચૂંટણીમાં જો ચૂંટાયેલા જ પ્રતિનિધિઓ મતદાન ન કરે તો લોકોને કંઈ રીતે મતદાન માટે ફરજ પાડી શકાય? માટે હવે જો કોઈ કોર્પોરેટર ફરજિયાત મતદાનનો ભંગ કરશે તો અને કસૂરવાર જાહેર થશે તો તેને નગરપાલિકા, પંચાયતના કાઉન્સિલર અથવા સભ્ય તરીકે ગેરલાયક ઠરાવવાની જોગવાઈ ‌બિલમાં કરવામાં આ‍વી છે. જેઓ પૂર્વ કોર્પોરેટર છે તેમને પણ આ મુદ્દે ચૂંટણી લડતાં અટકાવી શકે તેવો નિયમ બનાવાયો છે. ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ મુજબ ફરજિયાત મતદાનનો નિયમ પંચાયતોમાં લાગુ પડેલો છે.

વેબદુનિયા પર વાંચો