વડાપ્રધાન મોદીએ એરપોર્ટ ખાતે કેમ ભાષણ ટુંકાવી દીધું, શું પીળા ખેસ વાળા લોકો વિરોધ કરવા બેઠા હતાં.

શનિવાર, 17 સપ્ટેમ્બર 2016 (12:30 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રાત્રે નવ કલાક આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. રાજ્યપાલ કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ભાજપના હોદ્દેદારો અને મંત્રીઓએ તેમનું દબાદબા અને હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યુ હતું. મુખ્યમંત્રી રૂપાણીએ કેસરિયો સાફો પહેરાવીને વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતું. મોદીના ટૂંકા ભાષણને કારણે  અનેક તર્કવિતર્કો ઊભા થયા છે. આગલી હરોળમાં પીળા ખેસવાળા લોકો જોઇને નરેન્દ્ર મોદીએ એકાએક ભાષણ ટૂંકાવી દીધું હતું એવું હાલ ભાજપના સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. સ્વાગત પછી ટૂંકો પણ ઉત્સાહભર્યો પ્રત્યુત્તર આપતા વડાપ્રધાને કહ્યું હતું કે તા. 16મી સપ્ટેમ્બર,2014ના દિવસે આપને આ જ સ્થળે (એરપોર્ટ પર) મળવાનું થયું હતું. બે વર્ષ પછી ફરી વખત તા. 16મી સપ્ટેમ્બરે મળવાનું થયું છે. અત્યારે તમે મને આવકાર્યો, શુભેચ્છા અને આર્શીવાદ આપ્યા તે બદલ આપનો ઋણી છું.  એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટૂંકા ભાષણને કારણે સમગ્ર ભાજપમાં અનેક તર્કવિતર્કો ઊભા થયા છે. જેમાં ખાસ કરીને આ અભિવાદન સમારોહમાં આગળની હરોળમાં બેઠેલા લોકોએ પહેરેલા પીળા ખેસ અને ભાષણ દરમિયાન તેમની હરકતોના કારણે એક એવી પણ વાત ચાલી છે કે સામાન્ય રીતે ભાજપમાં કેસરી ખેસ પહેરીને કાર્યકરો આવતાં હોય છે, પરંતુ આ પીળા ખેસવાળા આગળી હરોળમાં બેઠેલા લોકો જોઇને નરેન્દ્ર મોદીએ એકાએક ભાષણ ટૂંકાવી દીધું હતું. નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન પાટીદારો અને દલિતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી આપવામાં આવી હતી. એ સંજોગોમાં મોદીની એરપોર્ટની એન્ટ્રી સમયે જ કોઇ વિરોધ કે વિવાદ ઊભો ન થાય તે માટે નરેન્દ્ર મોદીએ ટૂંકું ભાષણ કરી રવાના થઇ ગયા હતા. 

વેબદુનિયા પર વાંચો