રાણીની વાવનો સર્વે કરવા યુનેસ્કોની ટીમ પાટણમાં

મંગળવાર, 22 ઑક્ટોબર 2013 (11:54 IST)
P.R
પાટણની રાણીની વાવ એ શિલ્પ સ્થાપત્યનો બેજોડ નમુનો છે. રાણીની વાવને વિશ્વ વિરાસતમાં સ્થાન મળે તે માટે યુનેસ્કોની ટીમ પાટણ આવી છે. બે દિવસ આ ટીમ વાવનો સર્વે કરશે.

સોલંકી કાળમાં બનેલી પાટણની રાણીની વાવ ભારતભરમાં વિખ્યાત છે. રાણી ઉદયમતીએ પતિની યાદમાં આ વાવ બંધાવી હતી. આજથી 900 વર્ષ પહેલા એટલે કે 11મી સદીમાં આ વાવ બંધાઈ હતી. પથ્થરોમાંથી બનેલી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. વાવમાં 300 જેટલા સ્તંભ અને 400થી વધુ મૂર્તિઓ છે. સાથે ભગવાન વિષ્ણુના દશાવતાર, અપ્સરાઓ, રામાયણ તથા ધાર્મિક યંત્રોની ડિઝાઈન પણ કોતરવામાં આવેલી છે. યુનેસ્કોએ પાટણની રાણીની વાવની નોંધ લઇ પોતાની ટીમને પાટણ મોકલી છે. જે હાલમાં વાવનો સર્વે કરી રહી છે. પાટણનાં અગ્રણીઓને આશા બંધાઈ છે કે, અલભ્ય વાવ વિશ્વ વિરાસતમાં સ્થાન પામશે.

રાણીની વાવને હજુ વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું નથી. જોકે યુનેસ્કોની ટીમે પાટણની રાણીની વાવની નોંધ લીધી છે, ત્યારે આશા રાખીએ કે રાણીની વાવ વિશ્વ વિરાસત બની ગુજરાતીનું ગૌરવ વધારે...

વેબદુનિયા પર વાંચો