રાજ્યના ૩૬૧ ઐતિહાસિક સ્મારકોની જાળવણી માત્ર એક જ વ્યક્તિ કરે છે

શનિવાર, 22 નવેમ્બર 2014 (17:44 IST)
પડે છે ત્યારે સઘળુ પડે છે. રાજ્યમાં પુરાતત્વનો ઐતિહાસિક વારસો ધરાવતા અનેક સ્મારકો છે. તેમાંથી રાજ્યના પુરાતત્વ વિભાગ હસ્તક ૩૬૧ અને કેન્દ્રના પુરાતત્વ વિભાગ હસ્તક ૨૦૨ સ્મારકો છે. જેમાં ઐતિહાસિક કિલ્લાઓ, વાવ, દરવાજા, મંદિરો, ટાવર, હવેલી, ટીંબો, ગુફા, સ્તંભ, શિલાલેખનો સમાવેશ થાય છે. પરંતુ કમનશીબી એ છે કે આ તમામ સ્મારકોનું ગૌરવ ઓસરતુ જાય છે. કારણ કે ૩૬૧ સ્મારકોની જાળવણી કરનાર પુરારક્ષક સહાયક આખા રાજ્યમાં માત્ર એક જ છે. અમદાવાદ, રાજકોટ અને ભુજની પ્રાદેશિક કચેરીઓ હસ્તકના સ્મારકોના અવશેષ જાળવવા માટે પુરારક્ષક સહાયકની જગ્યા વર્ષોથી ભરવામાં આવતી નહીં હોવાને કારણે ગુજરાતના ગૌરવ સમાન સ્મારકો નામશેષ થતા જાય છે.

કોઈપણ પ્રદેશની એક આગવી ઓળખ એ તેનો સાંસ્કૃતિક વારસો છે. આ વારસાની જો જતન કરવામાં આવે તો જ ભવિષ્યની પેઢીને તેના ઐતિહાસિક વારસાની સાચી ઓળખ મળી શકે. યુનિસેફ દ્વારા અત્યારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તેમના વિસ્તારના ઐતિહાસિક સ્મારકોનો પરીચય થાય તે માટે ખાસ સર્વે કરીને જાણકારી આપવામાં આવી રહી છે બીજી બાજુ આ ઐતિહાસિક વારસો જાળવણીના અભાવે દિન-પ્રતિદિન નામશેષ થતો જાય છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સ્મારકોની સંખ્યા જૂનાગઢ જિલ્લામાં છે જેમાં અશોકના શિલાલેખ ઉપરાંત મહોબત મકબરો, શાણાની ગુફાઓ, નવઘણ કોટ, સુર્ય મંદિર, મંડોવરની બૌધ્ધ ગુફા, ભીમકુંડ, રાખેંગારનો મહેલ, હાથી પગલા સહિતના કુલ ૮૦ સ્મારકોનો સમવોશ થાય છે. પરંતુ કમનસીબી એ છે કે ગણ્યા ગાંઠયા સ્મારકો પર ચોકીદાર હત્યાને લીધે એકપણ સ્મારકની જાળવણી થતી નથી. આ જ પ્રકારની સ્થિતિ જામનગર જિલ્લાના ભુજીયા કોઠા, નવલખા મંદિર, સોનકંસારી, વીકાયા વાવ, મોડપરના કિલ્લાની હાલત છે. ઐતિહાસિક સ્મારકો ઉપર વરસાદ ભેજ અને તડકાની અસર થતી હોવાને લીધે દિન-પ્રતિદિન ક્ષીણ થતા જાય છે. આ મુદ્દે કચેરીના સુત્રો જણાવે છે સૌરાષ્ટ્રમાં ૧૬૦થી વધુ સ્મારકો હોવા છતાં ચોકીદાર આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે. કેટલાક સ્મારકો રીપેરીંગ માગે છે પરંતુ પુરા રક્ષક સહાયક નહીં હોવાને લીધે રીપેરીંગની દરખાસ્ત થતી નથી. રાજકોટની કચેરીમાં લાંબા સમયથી આસીસ્ટન્ટ ડાયરેકટર, સુપ્રિન્ટેન્ડન્ટ, ટેકનીકલ આસીસ્ટન્ટ, છાયા રેખાંકન સીનીયર ક્લાર્ક અને પુરા રક્ષણ સહાયકની જગ્યાઓ ખાલી પડી છે.
રાજકોટની પ્રાદેશિક કચેરીમાં માત્ર પ્રાદેશિક કર્મચારી સિવાય તમામ જગ્યાઓ ખાલી હોવાથી રેઢાપડ જેવી સ્થિતિ છે. જેના કારણે ઐતિહાસિક નગરો જે ભૂમિમાંથી મળી આવ્યા છે તે ટીંબાઓનું ઉત્ખનન કે ઐતિહાસિક સ્મારકોની જાળવણીનું કામ દુષ્કર બની રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો