રાજકોટમાં બે આખલાઓની લડાઈમાં એક પ્રૌઢની હાલત ગંભીર

સોમવાર, 5 સપ્ટેમ્બર 2016 (17:35 IST)
રસ્તા પર રખડતા ઢોરને લઈને નફ્ફટ બનેલા તંત્રમાં કોઈ સાંભળનારૂ નથી. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહયો છે અને લોકો તેનાથી ત્રાહીમામ પોકારી રહ્યાં છે પણ તંત્રમાં વારંવાર ફરિયાદો થતી હોવા છતાં નફ્ફટાઈથી ભરેલા અધિકારીઓ કોઈની વાતને ધ્યાને લેવામાં માનતા નથી. એક એવો બનાવ રાજકોટમાં બનવા પામ્યો છે જેમાં બે આખલાઓ વચ્ચેના ધમાસણમાં એક વયોવૃદ્ધ વ્યક્તિને ભારે ઈજા પહોંચી છે.રાજકોટના યાજ્ઞીક રોડ પર ગઇકાલે સાંજે બે આખલા વચ્ચે ધીંગાણું ખેલાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ બન્ને આખલાને અલગ કરવા એક વ્યક્તિ લાકડી સાથે મેદાને ઉતર્યો હતો પરંતુ રોકવામાં નિષ્ફળ બન્યો હતો. લડાઇ કરી રહેલા બન્ને આખલા સ્કૂટર પર કૂદકો મારી ચડી ગયા અને સ્કૂટર ચાલક પ્રૌઢને નીચે પછાડી દીધા હતા. પ્રૌઢના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને રોડ પર જ તરફડીયા મારતા જોવા મળ્યા હતા. બાદમાં લોકોએ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટમાં ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. ભૂતકાળમાં પણ રખડતા ઢોરને લીધે અનેકે પોતાનો જીવ ગુમાવ્યાના દાખલા છે. ત્યારે ગઇકાલે બનેલી ઘટનામાં મનપા કેટલું સાર્થક બને છે તે આવનારો સમય જ બતાવશે.

વેબદુનિયા પર વાંચો