યુવતીને ભગાડી જનાર પરિણીત આધેડની ધરપકડ

મંગળવાર, 7 જુલાઈ 2015 (17:46 IST)
નડિયાદ શહેરમાં રહેતી ૨૦ વર્ષીય પટેલ યુવતીને ભગાડી જનાર મુસ્લિમ પરિણીત આધેડની એટીએસે ધરપકડ કરી છે. ગુજરાત એટીએસે બાતમીના આધારે વહેલી સવારે કાલુપુર રેલવે સ્ટેશન પરથી આધેડને ઝડપી લીધો હતો. પોલીસે આધેડની ધરપકડ કરી યુવતીની શોધખોળ શરૂ કરી છે.

એટીએસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ૧૧ જૂનના રોજ નડિયાદ શહેરની ઇડનગાર્ડન સોસાયટીમાં રહેતો બુટલેગર માસૂમ કાલુભાઇ મહિડા (ઉં.વ. ૪૧) મેડિકલમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય યુવતીને ભેટસોગાદો આપી ભગાડી ગયો હતો. આ મામલે યુવતીના પિતાએ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આરોપી માસૂમ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ગુજરાત એટીએસના પીઆઇ આર.આર. સરવૈયા તથા એચ.ઝેડ. સોલંકીની ટીમને બાતમી મળી હતી, જેના આધારે કાલુપુર રેલવે સ્ટેશન પરથી આધેડને ઝડપી લીધો હતો.

ગુજરાત એટીએસ એસપી હિમાંશુ શુક્લાએ જણાવ્યું હતું કે આરોપી માસૂમ તેનાથી અડધી ઉંમરની યુવતીને ભગાડીને લઇ ગયો હતો અને તે મામલે નડિયાદ બંધનું પણ એલાન અપાયું હતું. નડિયાદ પોલીસ દ્વારા આરોપીને ઝડપવા મદદ મંગાતાં આજે બાતમીના આધારે આરોપીને ઝડપી લેવાયો છે. યુવતીની પણ ભાળ મળી ગઇ છે. નડિયાદ પોલીસ તેને ટૂંક સમયમાં શોધી તેના પરિવારજનોને સોંપે તેવી શક્યતા જણાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે આરોપી બુટલેગર દ્વારા તેની પુત્રીની ઉંમરની યુવતીને પ્રેમજાળમાં ફસાવી ભગાડીને લઇ જવાતાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો દ્વારા નડિયાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ લવ જેહાદના વિરોધમાં નડિયાદ શહેરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. લવ જેહાદ સામે નડિયાદમાં ભારે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

યુવતીના અપહરણ મામલે ચાર દિવસ સુધી નડિયાદ પોલીસ દ્વારા કોઇ પણ કાર્યવાહી ન કરાતાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો પશ્ચિમ પોલીસમથકે પહોંચ્યા હતા અને પોલીસ અધિકારીને આવેદનપત્ર આપી આરોપી માસૂમ મહિડાને ઝડપી લેવા માગ કરી હતી. ૧પ જૂનના રોજ નડિયાદ બંધના એલાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કલેક્ટર કચેરીએ જઇ મોરચો લઇ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જિલ્લા પોલીસવડાને મળી આરોપીને તાત્કાલિક ઝડપી લેવા રજૂઆત કરી હતી. આ સંદર્ભે નડિયાદ શહેરના વલ્લભનગર મહાદેવ મંદિરના મેદાનમાં વિરાટ હિન્દુ ‌િંચંતનસભા યોજાઇ હતી. યુવતીના અપહરણ મામલે નડિયાદ પોલીસ પાંગળી પુરવાર થઇ હતી તેમજ આરોપી બુટલેગર હોઇ પોલીસ સાથે તેની સાઠગાંઠ હોઇ તેને ઝડપવામાં નિષ્ફળ સાબિત થઇ હતી

વેબદુનિયા પર વાંચો