મુખ્યમંત્રીના ભત્રીજીના ૧.૩૪ લાખથી વધુની મતાની ચોરી

સોમવાર, 6 જુલાઈ 2015 (15:05 IST)
અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના ગામોમાં ચોર-લુંટારુંઓની ગેંગ રંજાડ મચાવતી હોવાની અફવાઓ વચ્ચે શહેરના ઈસનપુર વિસ્તારમાં તસ્કરોએ મુખ્યમંત્રીના ભત્રીજીના ઘરે ત્રાટકીને રૂ. ૧.૩૪ લાખની મતાની ચોરી કરીને પોલીસને નાક કાપી હાથમાં આપતાં ગયા હતા. આ અગાઉ પણ ખુદ મુખ્યમંત્રી આનંદીબહેનના ઘરમાં તસ્કરો ઘૂસી ગયા હતા.

જો કે નોંધાયેલી ફરિયાદમાં કોઈ ખાસ મોટી રકમની ચોરી થઈ ન હતી. તેવા સમયે મધરાતના ઈસનપુરમાં ગિરીરાજની અંદર વૈભવ ડેરીના પાછળના ભાગે આવેલી શિવપાર્ક સોસાયટીમાં રહેતા રેખાબહેન નંદુભાઈ પટેલના બંગલા નંબર ૩૪માં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ રેખાબહેનના બંગલામાંથી રોકડ રકમ અને દાગીના મળીને કુલ રૂ. ૧.૩૪ લાખથી વધુની મતાની ચોરી કરી ગયા હતા. આ અંગે રેખાબહેનના પતિ નંદુભાઈ હરજીવનભાઈ પટેલે ઈસનપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેમના પરિવાર સાથે ગામડે ગયા હતા. તે સમયે તસ્કરો તેમના બંગલામાં ત્રાટક્યા હતા. તસ્કરોએ બંગલાનાં દરવાજાની બાજુમાં આવેલી બારીના સળિયા વાળીને અંદર પ્રવેશ્યા હતા. તસ્કરોએ ડ્રોઈંગ રૂમની બાજુમાં આવેલા બે બેડરૂમની તિજોરીને તોડીને તેમાં રહેલા રૂ. ૬૮ હજારની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂ. ૧,૩૪,પ૦૦/ની મતાની ચોરી કરી ગયા હતા. જ્યારે ઘરમાં રહેલા રૂ. ૧.પ૦ લાખના દાગીના તસ્કરોની નજરથી બચી જતાં તે ચોરાતા રહી ગઈ ગયા હતા.

વેબદુનિયા પર વાંચો