મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલેની હવાઇ નિરીશણ

શુક્રવાર, 26 જૂન 2015 (14:42 IST)
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશને ડિપ્રેશનનું સ્વરૂપ ધારણ કરી છેલ્લા 48 કલાકમાં રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે આકાશી સુમાનીના રૂપમાં આશીર્વાદ સાથે આપત્તિ વરસાવતા લગભગ અઢી હજારથી વધુ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદમાં વિવિધ ઘટનાઓમાં 40થી વધારે વ્યક્તિઓના તણાઇ જવાથી, વીજળી પડવાથી મોત નિપજ્યા છે. સૌથી વધારે મૃત્યુ અમરેલી જિલ્લામાં થયા છે. ગઇકાલે કેબિનેટ બાદ મુખ્યપ્રધાને કુદરતી આપત્તિગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે મંત્રણા કર્યા બાદ તુરત સૌરાષ્ટ્રના તમામ પ્રધાનોને આ જિલ્લાઓમાં મોકલી આપ્યા હતા અને આજે મધ્ય તથા દક્ષિણ ગુજરાતના પ્રધાનોને પણ રવાના કર્યા છે. આજે બપોરે બાર વાગે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યું હતું અને તેઓ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ગીર ગઢડા વિસ્તારોના એરિયલ સર્વે માટે પહોંચી રહ્યા છે.

મુખ્યપ્રધાન એરિયલ સર્વે બાદ આ ત્રણેય જિલ્લાના વહીવટી તંત્ર સાથે બેઠક યોજીને રાહત અને બચાવ કાર્ય માટે જરૂરી માર્ગદર્શન આપશે. ત્રણેય જિલ્લાઓમાં એનડીઆરએફની છ ટીમો, બે હેલિકોપ્ટર વગેરે રાહત બચાવ કાર્યમાં જોતરી દેવાયા છે. વીસ હજારથી વધારે લોકોન  સ્થળાંતર કરાયું છે. સ્વૈચ્છિક સંસ્થાઓ, રાજકોટ પક્ષો દ્વારા પણ અસરગ્રસ્તોને બચાવવા, ફૂડ પેકેટ્સ પહોંચાડવા વગેરે કામગીરી શરૂ કરી દેવાઇ છે. સરકાર તત્કાળ કેશડોલ્સની ચૂકવણીની પણ આજે જાહેરાત કરી શકે છે. આ પછી પાણી ઓસર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી કરાશે અને માલ મિલકતના નુકશાનનો સર્વે થયા બાદ તેના માટેની સહાય પણ જાહેર કરાશે, તેમ સૂત્રોએ ઉમેર્યું છે.

સત્તાવાર સૂત્રોના કહેવા પ્રમાણે સૌથી વધારે ગંભીર સ્થિતિ અમરેલી અને રાજકોટ જિલ્લામાં સર્જાઇ છે. અહીંના તમામ ડેમ છલકાઇ ગયા છે. અમરેલી જિલ્લામાં સૌથી વધારે અસરગ્રસ્ત બગસરામાં આભ ફાટ્યુ હોય એમ 30 ઇંચ જેટલું પાણી પડ્યું હતું. ધારીમાં પચ્ચીસ ઇંચ અને બાકીના તાલુકાઓમાં બેથી પાંચ ઇંચ જેટલો વરસાદ થયો હતો. રાજકોટમાં ગોંડલ, લોધીકા, કોટડા સાંધાણી જેવા તાલુકાઓમાં પણ એક સાથે પચ્ચીસ પચ્ચીસ ઇંચ પાણી પડ્યું છે. ભાવનગર, મોરબી, જામનગર, પોરબંદર જિલ્લાઓમાં પણ એકથી પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં એક તરફ પીવાના પાણીને લઇને ભારે મુશ્કેલી સર્જાઇ હતી ત્યારે પહેલા પ્રિમોનસુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ ખાબક્યો હતો અને હવે ડીપ્રેશનની અસરથી મોસમનો લગભગ પચ્ચીસ ટકા વરસાદ 48 કલાકમાં જ પડી જતાં નદી, નાળાં છલકાઇ ગયા છે. એક માહિતી મુજબ સૌરાષ્ટ્રના લગભગ અઢી હજારથી વધારે ગામો હાલ જમીની સંપર્કથી વિખુટા પડી ગયા છે. ઘણા પુલ, નાળા તુટી ગયા છે તેના કારણે પાણી ઓસરે પછી જ સાચી સ્થિતિનો ખ્યાલ આવી શકે એમ છે. સૌરાષ્ટ્રના મહત્વના શહેરો રાજકોટ, મોરબી, જુનાગઢ, જામનગર, ભાવનગર, પોરબંદરને પીવાના પાણીના સ્ત્રોત પૂરાં પાડતી નદીઓમાં નવા નીર નહીં, પૂર આવી જતાં તમામ ડેમ છલકાઇ ગયા છે. એક રીતે આકાશી સુનામીથી પીવાના પાણી તંગીમાંથી અડધાથી વધારે સૌરાષ્ટ્રને મુક્તિ મળી ચૂકી છે. સૌરાષ્ટ્રના આજી, મચ્છુ, વર્તુ, ઉંડ, શેત્રુંજી, કબીર સરોવર, ભાદર જેવા ડેમ છલકાઇ ગયા છે.

અમદાવાદમાં ગઇકાલે રાત્રે દસ વાગ્યા બાદ વરસાદે પોરો ખાતા સૌએ રાહતનો દમ લીધો છે.જોકે, અમદાવાદમાં જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી માત્રામાં વરસાદ પડતાં અમુક વિસ્તારોમાં જાણે કાંકરિયા, મણીનગર, બોપલ, સેટેલાઇટ, ચાંદખેડા, રાણીપ, વેજલપુર, જુહાપુરામાં સર્જાયેલી પાણી ભરવાની સ્થિત ઊભી થઇ ન હતી.

આ સાથે રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં પડેલા ભારે વરસાદને લીધે મોસમનો કુલ વરસાદ 21 ટકાને પાર કરી ગયો છે જેમાં સૌથી વધારે વરસાદ સ્વાભાવિક રીતે સૌરાષ્ટ્ર રિજનમાં નોંધાયો છે. આ રિજનમાં 37.37 ટકા વરસાદ નોંધાયો છે તેમાંય સૌથી વધારે અમરેલી જિલ્લામાં 71.73 ટકા મોસમનો વરસાદ થઇ ચૂક્યો છે. આ પછી ભાવનગર જિલ્લામાં મોસમનો 50 ટકા અને રાજકોટ જિલ્લામાં 45 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદમાં 20થી 35 ટકા વરસાદ થયો છે.

વેબદુનિયા પર વાંચો