માર્ક્સ કૌભાંડઃ વધુ બે વિદ્યાર્થીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા

સોમવાર, 27 જુલાઈ 2015 (17:02 IST)
ગુજરાત યુનિવર્સિટીના માર્ક્સ કૌભાંડને પ્રકાશમાં આવ્યાને ૨૫ જેટલા દિવસ વિત્યા છતાં પોલીસ હજુ સુધી પાંચ પૈકી એક પણ વિદ્યાર્થી સુધી પહોંચી શકી નથી ત્યારે આ કેસના વધુ બે વિદ્યાર્થીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા હોવાની પોલીસને જાણ થઇ છે. આ અગાઉ મોહમ્મદ મોહસિન અને સૈયદ સાકિબ નામના વિદ્યાર્થીઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. જે બાદ શેખ મોઇનહુસેન અને મોહમ્મદ સલમાન નાઝીર હુસેન પોલીસની પૂછપરછથી બચવા પોતાના ઘરેથી ચાલ્યા ગયા છે. સાથે જ પોલીસે છેલ્લા ત્રણ દિવસમાં એજન્સીના કર્મચારીઓ અને વાલીઓની એમ ૨૩ લોકોની પૂછપરછ કરી છે. આખરે પોલીસે એજન્સી પાસેથી કબજે લીધેલા ૧૧ કમ્પ્યૂટર અને સર્વરને આજે એફ.એસ.એલ.માં મોકલવાની તજવીજ હાથ ધરી છે.

સીયુ શાહ સીટી કોમર્સ કોલેજ અને સરસપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પાંચ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા કૌભાંડની તપાસ ગુજરાત યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવી છે. જેના અનુસંધાને પોલીસ આ વિદ્યાર્થીઓના ઘરે પૂછપરછ કરવા પહોંચતા વધુ બે વિદ્યાર્થીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા હોવાનું જાણવા મળ્યું હત.પોલીસ દ્વારા આ વિદ્યાર્થીના વાલીઓની પૂછપરછ કરતાં વિદ્યાર્થીઓ કયાં ગયા તે અંગે વાલીઓ જ અજાણ હોવાની વાત સામે આવી છે.

શેખ મોઇનહુસેન મહેમુદહુસેન અને શેખ મોહમ્મદ સલમાન નાઝીર હુસેન નામના બે વિદ્યાર્થીઓએ પોતાના મેનેજમેન્ટ એકાઉન્ટ અને ઓડીટીંગ વિષયની ઉત્તરવહીઓ અને ડેટાએન્ટ્રી સાથે ચેડાં કર્યાં હતાં. જેમાં પોલીસ દ્વારા આ બે વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ કબજે લેવામાં આવી છે. આ કૌભાંડ ઊંડે સુધી વિસ્તરેલું છે પરંતુ પોલીસ સામે પણ પડકાર બની ગયેલા આ કેસમાં કોઇ નક્કર પુરાવા મળી રહ્યા નથી. છેલ્લા ત્રણ દિવસમાં પોલીસે એજન્સીના અને વિદ્યાર્થીઓના વાલીઓની એમ કુલ ૨૩ લોકોની પૂછપરછ કરી તેમના નિવેદન નોંધ્યા છે.
આ અગાઉ મોહમ્મદ મોહસિન, સૈયદ સાકિબ અને મનસૂરી આમિર આ ત્રણેય વિદ્યાર્થીઓ એજન્સીમાં કાર્યરત યુસુફ સાથે સતત સંપર્કમાં હતા. જેની પણ પોલીસે ત્રણથી ચાર વખત પૂછપરછ કરી છે.માર્ક્સ કૌભાંડ કેસમાં તમામ વિદ્યાર્થીઓ પોલીસ પકડથી દૂર હોઇ પોલીસ માટે એક પડકાર ઊભો થયો છે. આ કેસમાં કોઇ જ કડી ન મળતાં પોલીસ ભીનું સંકેલશે કે કેમ તેવી ચર્ચાએ ગુજરાત યુનિવર્સિટીમાં વેગ પકડ્યો છે.

વેબદુનિયા પર વાંચો