આ શુ બતાવે છે? કયા ગઇ નારી સશક્તિકરણની વાતો ? ક્યાં ગયો મહિલા આરક્ષણનો ખરડો ? નારી સશક્તિકરણ અને મહિલા અનામતની વાતો ફરી એકવાર ખોખલી સાબિત થઇ છે.
દેશના ઇતિહાસમાં અત્યાર સુધી એક પણ લોકસભામાં 50થી વધુ મહિલાઓ એક સાથે આવી નથી, કુવામાં હોય તો હવાડામાં આવે ને? લોકસભાની 543 બેઠકો માટે યોજાઇ રહેલી ચૂંટણીમાં રાજકીય પક્ષોએ માંડ દસમા ભાગની બેઠકો માટે મહિલાઓને લકી ડ્રોનો પ્રવેશ પાસ આપ્યો છે.
મહિલાને પુરૂષ સમોવડી માનવાનો ડોળ કરતા રાજકારણીઓ મહિલાઓને અછૂત માને છે. મહિલાઓ માટે 33 ટકા અનામતની વાતો કરતા રાજકીય પક્ષો ચૂંટણી આવતાં જ જાણે કે આ બધુ વિસરી જાય છે. 15મી લોકસભાની જ વાત કરીએ તો, લોકસભાની 543 બેઠકો માટે રાષ્ટ્રીય પક્ષોએ 1025 પુરૂષ ઉમેદવારોને ટીકીટ આપી છે જ્યારે એની સામે મહિલાઓને માત્ર 85 ટીકીટો જ ફાળવી છે.
ભાજપ હોય કે કોંગ્રેસ, બસપા હોય કે સીપીઆઇ બધા જ રાજકીય પક્ષો એક ડાળના પંખી છે. ભાજપે 283 પુરૂષ ઉમેદવારની સામે માત્ર 27 મહિલાઓને ટીકીટ આપી છે. કોંગ્રેસે 291 પુરૂષોની સામે 30 મહિલાઓને ટીકીટ આપી છે. આનાથી પણ ગંભીર જે રાષ્ટ્રીય પક્ષની અધ્યક્ષા મહિલા છે એવા બહુજન સમાજવાદી પાર્ટીના માયાવતીએ પણ પુરૂષ ઉમેદવારોને વધુ પસંદગી આપી છે. પુરૂષોને 319 ટીકીટ આપી છે જ્યારે મહિલાઓને માત્ર 16 ટીકીટ જ આપી છે.
વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં નેશનલ પાર્ટીઓ દ્વારા 110 મહિલાઓ પાસે ઉમેદવારી કરાવી હતી. જેમાંથી માત્ર 30 મહિલાઓ જ લોકસભામાં પહોંચી શકી હતી. આ ઉપરાંત સ્થાનિક તથા અપક્ષ મળી કુલ 45 મહિલાઓ લોકસભામાં ચૂંટાઇ આવી હતી. વર્ષ 1999માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય પાર્ટીઓએ 104 મહિલાઓને મેદાને જંગમાં ઉતારી હતી જેમાંથી 35 મહિલાઓ જીતવામાં સફળ રહી હતી. જ્યારે સ્થાનિક પાર્ટીઓ સહિત કુલ 49 મહિલાઓ જ લોકસભામાં ચૂંટાઇ હતી.
આ શુ બતાવે છે? કયા ગઇ નારી સશક્તિકરણની વાતો ? ક્યાં ગયો મહિલા આરક્ષણનો ખરડો ? નારી સશક્તિકરણ અને મહિલા અનામતની વાતો ફરી એકવાર ખોખલી સાબિત થઇ છે. દેશ આઝાદ થયાને છ દાયકા બાદ પણ મહિલાઓ ઝઝુમી રહી છે. રાજકારણમાં મહિલાઓ આજે પણ હાંસિયામાં ધકેલાઇ રહી છે. કહેવાતા મહિલા નેતાઓના પ્રભાવમાં આવ્યા વિના મહિલાઓએ ખુદ અવાજ ઉઠાવવો પડશે નહીં બાકી ઠેર ના ઠેર જ રહેવાના.