મને બધી ખબર છે મનરેગાનાં રુપિયા ક્યાં જાય છેઃ મુખ્યમંત્રીએ અધિકારીઓનો ઉધડો લેતાં કહ્યું

સોમવાર, 1 સપ્ટેમ્બર 2014 (15:27 IST)
વ્યારા ખાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સમિક્ષા બેઠક દરમ્યાન આરોગ્ય, શિક્ષણ, પાણી પુરવઠા, પશુપાલનની નબળી કામગીરી બાબતે અધિકારીઓનો ઉધડો લીધો હતો. બધી વાતો સમજું છું, બધે ફરીને આવી છું. યોજનાઓ વહેલી પુરી કરો એમ મુખ્યમંત્રીએ કહ્યું હતું અને જે શાળાઓના પરિણામ નીચા આવતા હોય તેવી શાળાઓ ખાનગી સંસ્થાને આપવા જણાવ્યું હતું.

વ્યારાના તાપી જિલ્લા સેવા સદનમાં આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જિલ્લાના તમામ વિભાગના મુખ્ય અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજી હતી. જેમાં વર્ષ ૨૦૧૪-૧૫ના બજેટ, સરકારની યોજનાઓ, રૃટીન કામો બાબતે ચર્ચા-વિચારણા કરી હતી. મિટીંગ દરમ્યાન આરોગ્ય, પાણી પુરવઠા, પશુપાલન, શિક્ષણ વિભાગની નબળી કામગીરી બાબતે અધિકારીઓને સીધા સવાલ કર્યા હતા. જેનો અધિકારીઓ ગોળ-ગોળ જવાબ આપતાં કલેકટર રંજીથકુમારે અધિકારીઓનો લુલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મુખ્યમંત્રીએ અધિકારીઓને ઉધડો લેતાં કહ્યું હતું કે, બધુ જ જાણું છું અને સમજું છું. મને સમજાવો નહીં બધે ફરીને આવી છું. સરકારની તમામ યોજના લોકો સુધી પહોંચે તેનું પુરતું ધ્યાન આપો. મહિલા અને બાળકોની યોજનાઓ તરફ વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા કહ્યું હતું. મનરેગાની યોજનામાં થતાં ભ્રષ્ટાચાર બાબતે પણ ચર્ચા થઇ હતી. જે બાબતે ડીડીઓ કે.બી. ઉપાધ્યાયે મનરેગાની ૭૦ કરોડની ગ્રાન્ટમાંથી ૩૫ કરોડની ગ્રાન્ટ સીધી ગ્રામ પંચાયત સ્તરે વાપરવામાં આવશે. એવી વકીલાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મનરેગાની ગ્રાન્ટ ક્યાં જાય છે. મને ખબર છે. ગ્રાન્ટનો સાચો ઉપયોગ કરવામાં આવતો હોત તો તાલુકો સોનાની નગરી બની ગઇ હોત. જેથી સારા માણસો પાસે કામ કરાવો. વ્યવસ્થિત કામ કરે અને લોકોનો ફાયદો થાય એવું આયોજન કરો. વધુમાં જણાવ્યું કે શિક્ષણનું સ્તર સુધારવા માટે જે શાળાઓનું પરિણામ ૩૦ ટકાથી ઓછું આવતું હોય તેવી શાળાઓ ખાનગી સંસ્થાને આપી દેવી જોઇએ. જેથી વિદ્યાર્થીઓનું ભાવિ પણ ઉજળું બને.

વેબદુનિયા પર વાંચો