બ્રિટનના વિકાસમાં છ લાખ ગુજરાતીઓનો સિંહફાળો

ગુરુવાર, 30 એપ્રિલ 2015 (15:43 IST)
ગુજરાતની મુલાકાતે આવેલા બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર જ્યોફ વાયને અમદાવાદ સ્થિત કૉંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવો વચ્ચે ગુજરાતના રાજકીય, આર્થિક અને સામાજિક મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કૉંગ્રેસના લાંબા સમયના દીર્ઘદૃષ્ટિભર્યા નેતૃત્વને લીધે ગુજરાતના વિકાસનો મજબૂત પાયો નંખાયો.

ગુજરાત લાંબા સમય સુધી મજબૂત ઔદ્યોગિક વિકાસ તરફ આગળ વધ્યું છે. બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર જ્યોફ વાયને અમદાવાદમાં એમ્બસીની ઓફિસ સ્થપાય તે માટે હકારાત્મક વિચારવાની ખાતરી આપી હતી. ગુજરાત અને બ્રિટનના સંબંધો હંમેશાં હૂંફાળા અને સ્વસ્થ રહ્યા છે. બ્રિટનના વિકાસમાં ગુજરાતીઓનો આગવો ફાળો છે. છ લાખ ગુજરાતીઓ બ્રિટનમાં વસે છે. બ્રિટનના અગ્રિમ આર્થિક વિકાસમાં ગુજરાતી ઉદ્યોગપતિઓનો સિંહફાળો રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો