બાપૂના વિદ્યાર્થીઓએ ગામડા ખૂંદ્યા

ગજેન્દ્ર પરમાર

શુક્રવાર, 3 ઑક્ટોબર 2008 (14:27 IST)
મહાત્મા ગાંધીજી સ્થાપિત સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા છેલ્લા બે વર્ષથી ગાંધીજયંતિ નિમિત્તે પાંચ દિવસીય પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતના વિવિધ ગામોમાં પગપાળા જઈ તે ગામમાં એક દિવસ રોકાઈ ગાંધીએ સૂચવેલા જીવનમૂલ્યોની વહેચણી કરવાનું ઉમદા કાર્ય આ પદયાત્રાના કેન્દ્રમાં રહેલું છે. આ વખતે આ પદયાત્રા 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવી હતી.

ગૂજરાત વિદ્યાપીઠના લગભગ 779 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ પદયાત્રામાં ભાગ લીધો હતો. ઉપરાંત ગૂજરાત વિદ્યાપીઠની અન્ય શાખા રાંદેજા અને સાદરાના પણ વિદ્યાર્થી ભાઈબહેનો પણ તેમાં સમાવેશ થાય છે. આ પદયાત્રા ગયા વર્ષથી જ ચાલુ કરવામાં આવી હતી.

ગયા વર્ષે આ પદયાત્રા માત્ર અમદાવાદ અને ગાંધીનગરના આસપાસના ગામડાઓમાં કરવામાં આવી હતી, જ્યારે આ વખતે આ વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતના કચ્છ, પાટડી, ડાંગ, ખેરાલુ, પાટણ, ચાણસ્મા, જુનાગઢ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લગભગ 700 ગામડાઓને ખુંદી વળ્યા હતાં.

પદયાત્રા દરમિયાન આ વિદ્યાર્થીઓ ગામડાઓમાં સવારે સવારે પ્રભાતફેરી કરે છે. બાળવિકાસ, ધુમ્રપાન,એચઆઈવી અંગે જાગૃતતા માટે ઠેર ઠેર પોસ્ટરો લગાવે છે, અને ઘેર ઘેર પત્રિકાઓ વહેચવામાં આવે છે. શાળાઓમાં જઈ બાળકોની મુલાકાત કરે છે. તેમજ વ્યસનમુક્તિ અને આરોગ્ય કેવી રીતે સાચવવુ અને કેવીરીતે શારિરીક સારસંભાળ રાખવી તેના પાઠ ભણાવે છે.

સાંજ પડતાં જ ગામમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળવિકાસ, આરોગ્ય, વ્યસનમુક્તિ, તેમજ એઈડ્સ અંગે જાગૃતિ લાવવા સંબંધી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અને બીજા દિવસે બીજા દિવસે બીજા ગામ તરફ નીકળી પડે છે.


ગામડાઓ ખુબ જ રળિયામણા હોય છે એવું કહેતા એક વિદ્યાર્થીની કહે છે કે ગામડાના લોકો માત્ર ભણવા માટે જ શહેરમાં આવે છે જો ગામડામાં પૂરતી રોજગારી મળી રહે તો તેઓ શહેરો તરફ જોશે પણ નહી. અમને કેટલાંક ખાટા અનુભવો પણ થયા, લોકો એવા મેણા મારતા હતાં કે શહેરવાળાને જ્યારે કામ હોય ત્યારે જ ગામડામાં આવે છે બાકી તો ક્યારેય ગામડાઓ તરફ જોતા પણ નથી.

આટલી પ્રક્રિયામાંથી પસાર થયેલ વિદ્યાર્થીમાં આપમેળે જ ગાંધી મૂલ્યોનું સિંચન થાય. ત્યારબાદ દરેક વિદ્યાર્થી તેને ક્યાંકને ક્યાંક જીવનમાં જીવવાનો પ્રયત્ન કરે ત્યારે જ આ પદયાત્રાની સફળતા સાંપડશે.

વિદ્યાર્થીઓ શું કહે છે:
''આ પદયાત્રા સ્વવિકા માટે થઈ હતી, આ પદયાત્રાથી અમે ગામડાની સંસ્કૃતિને બરોબર નજીકથી સમજી શક્યા છીએ અને તેમની જીવનશૈલીને જોઈ પ્રભાવિત થયા છીએ. આવી પદયાત્રાઓ હંમેશા થવી જ જોઈએ, કારણ કે અમે પદયાત્રા થકી ગામડાના લોકોની નજીક આવીએ છીએ અને તેમની શહેર પ્રત્યેની વિચારધારાને જાણી શકીએ છીએ. જેનાથી અમને તેમના પાસેથી ઘણું શીખવા મળે છે.'' -મનીષ કાપડિયા

''પ્રથમવાર ગામડાઓ જોઈને હું ચકિત થઈ ગઈ ખાસ કરીને તેમની દિનચર્યા મને સ્પર્શી ગઈ. ગામડાની શાળાઓ અને શહેરની શાળાઓમાં ઘણું મોટુ અંતર જોવા મળ્યું. મને ગામડાની ભણતરશૈલી ખુબ ગમી મારી ઈચ્છા છે કે ગામડાની શાળાઓ શહેરમાં આવી જાય. જો આવી પદયાત્ર પાંચ દસ વર્ષ સુધી ચાલશે તો વિદ્યાપીઠમાંથી નિકળનાર દરેક વિદ્યાર્થી એક હકારાત્મક વિચાર લઈને જશે. અને તેની અસર જરૂર આપણા કાર્ય પર રહેવાની. માટે પદયાત્રા વિદ્યાર્થીઓ માટે સારી જ છે''. -પ્રિયંકા રાજપૂત

વેબદુનિયા પર વાંચો