બહુમતી હોવા છતાં દેશમાં હિન્દુ નેતા શોધવા પડે તેવી સ્થિતિ વધુ દુઃખદઃ ડો. તોગડીયા

ગુરુવાર, 9 મે 2013 (14:16 IST)
P.R
ખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરીષદનાં નેતા ડો. પ્રવિણ તોગડીયાના જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુત્વ વિશેના ચોટદાર વક્તવ્ય સાથે હિન્દુઓ અને હિન્દુ ધર્મના રક્ષણ માટે હવે જાગૃત થવા ઉપસ્થિત સૌ કોઇને આહવાન આપતું ચોટદાર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, હાલ વિશ્વમાં અનેક જ્ઞાાતિઓ-ધર્મ છે. વિશ્વમાં ૭૦૦ કરોડની વસ્તીમાં ૧૦૦ કરોડ હિન્દુઓ છે. મતલબ કે ૭ પૈકી ૬ વ્યક્તિ હિન્દુ નથી. દુનિયાનાં ૨૮૮ પૈકી ૨૮૬ દેશમાં હિન્દુઓની બહુમતી નથી. ભારતની ૧૨૦ કરોડની વસ્તી, જેમાં ૧૦૦ કરોડ જેટલા હિન્દુઓ છતાં પણ હિન્દુઓ સુરક્ષીત ન હોવાનું જણાવીને તાજેતરમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટ, સુરત વિગેરે સ્થળોએ હિન્દુઓ પર થયેલા અત્યાચારને તેમણે વખોડી કાઢીને ઉમેર્યું હતું કે, દેશમાં અન્ય ધર્મનાં અનેક નેતાઓ છે, જ્યારે હિન્દુ નેતા શોધવા પડે તેવી સ્થિતિને તેમણે દુઃખદ ગણાવી હતી.

હિન્દુત્વ અને હિન્દુ ધર્મની રક્ષા સરકારની મદદ વગર અને સમાજની શક્તિ વડે કરવા તેમણે ગૃહિણીઓને દરરોજ એક મુઠ્ઠી અનાજ તથા એક-બે-પાંચ રૃપિયા ભગવાન સમક્ષ જુદા રાખવા તથા તુલસીજીને દરરોજ પાણી પીવડાવીને સક્રિય, જાગૃત અને આચરણથી હિન્દુ બનવા ઉપસ્થિત જનમેદનીને જાહેરમાં આહવાન આપ્યું હતું. લોકશાહીમાં જનમતને જ તલવાર, બંદુક અને મિસાઇલ ગણાવી, તેમણે લાખો-કરોડો હિન્દુઓનો અવાજ ઉઠાવવામાં કામ હિન્દુ કરશે તથા સામુહિક હિન્દુ શક્તિ જ હિન્દુસ્તાનમાં હમીરસિંહ ગોહિલ બની, ધર્મની રક્ષા કરશે તેમ વધુમાં જણાવ્યું હતું. આ સાથે હિન્દુઓનું ધર્માન્તરણ ન થવા દેવું, ગાયોની રક્ષા માટે નીકળવું તથા રામ મંદિરનાં નિર્માણ માટે નીકળીને ધર્મની રક્ષા કરી, હિન્દુ ધર્મનાં આચરણ કરી, ભારતમાં હિન્દુઓને સુરક્ષા કરવા આહવાન કર્યું હતું.

ખંભાળિયામાં આજે બુધવારે બપોરે જલારામ મંદિર ખાતે સત્સંગ હોલ ખાતે ધાર્મિક સંસ્થાઓનાં કાર્યકરો વચ્ચેની ચર્ચા-વિચારણા બાદ જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે શહેરનાં અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, કાર્યકરો અને નગરજનો સાથે પ્રવચન અને જાગૃતિ અંગેની સભા યોજાઇ હતી.

વેબદુનિયા પર વાંચો