બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ફફડાટ પ્રસર્યો

શુક્રવાર, 13 મે 2016 (11:59 IST)
બનાસકાંઠાના પૂર્વ વિસ્તારમાં ગુરૂવારે રાત્રે 10.29 કલાકે ભૂંકપનો આંચકો અનુભવ્યા હતો. લોકો ઘરની બહાર દોડી ગયા અને ભારે અફડાતફડી સાથે ફફડાટ પ્રસરી ગયો હતો. જો કે કોઇ સ્થળે જાનહાનિ કે નુકશાનના અહેવાલ મળ્યાં નથી ભૂંકપનું એપીસેન્ટર પાલનપુરથી 19 કિ.મી. દૂર પૂર્વ ઉત્તર તરફ અમીરગઢના વિરમપુર નજીક નોંધાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પંથકના લોકો સુવાની તૈયારીઓ કરતા હતાં. તેવા સમયે 10.29 કલાકે અચાનક ધરતી ધ્રુજવા લાગી હતી. જયાં ભૂકંપ આવ્યો હોવાનો અહેસાસ થતાં પ્રજાજનો હાફળા ફાફળા બનીને ઘરની બહાર દોડી ગયા હતાં. શેરી, મહોલ્લા તેમજ ગ્રામીણ વિસ્તારના વાસમાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં.
જિલ્લા આપત્તિ નિયમન કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં અનુભવાયેલા ભૂકંપની તીવ્રતા સ્કેલ ઉપર 3.4ની હતી.બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, અમીરગઢ, દાંતા, વડગામ, દાંતીવાડા તેમજ પાંથાવાડા વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવ્યા હતાં. જોકે જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપનો અહેસાસ ન થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 11 મે ના રોજ બપોરે 4.49 કલાકે વાવથી 30 કિમી દૂર માંકડાલા અને આસન ગામની વચ્ચે 2.3ની તિવ્રતાનો જ્યારે 8 મી મે ના રોજ ડીસાથી 50 કિમ દૂર 2.2ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે.

વેબદુનિયા પર વાંચો