ફાર્મસીની ત્રીસ હજાર બેઠકો ખાલી રહેશે

સોમવાર, 13 જૂન 2016 (16:57 IST)
એક સમયે ગુજરાતમાં  એન્જિનિયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓ દિવસ-રાત એક કરી લેતા હતા. પરંતુ આજે પરિસ્થિતી બદલાઇ રહી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ લેવાને બદલે અન્ય પ્રોફેશનલ કોર્સિસ અથવા તો બી.એસસી જેવા કોર્ષો તરફ આકર્ષાઇ રહ્યાં છે. તેનું ઉદાહરણ છે  ચાલુ વર્ષે એન્જિનિયરીંગ અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા.

વર્ષ ૨૦૧૬-૧૭ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (એસીપીસી)એ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વખતે ઓછા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એસીપીસી અંતર્ગત આવતી રાજ્યની ૧૩૮ કોલેજોની ૭૧,૦૦૦ સીટો સામે માત્ર ૪૮,૦૦૦ વિદ્યાર્થીઓએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એસીપીસએ શક્યતા વ્યક્ત કરી હતી કે, ચાલુ વર્ષ લગભગ ૩૦,૦૦૦ જેટલી સીટો ખાલી રહેશે. એસીપીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે,  પોતાને મનગમતી બ્રાન્ચમાં એડમિશન ન મળતા વિદ્યાર્થીઓ અન્ય કોર્ષમાં જતા રહે છે

અથવા તો આગામી વર્ષે એપ્લાય કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ એસીપીસીની ૨૨,૦૦૦ સીટો ખાલી રહી ગઇ હતી. એસીપીસી દ્વારા ચાલુ એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ કોલેજોને પોતાની રીતે
વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે છૂટ આપવામાં આવી શકે છે.  ઉલ્લેખનીય છે કે, એન્જિનિયરીંગમાં એડમિશન લેનાર વિદ્યાર્થીને સતત રોજગારીનો ડર રહેતો હોય છે. જેથી કરીને વિદ્યાર્થીઓ અન્ય કોર્ષિસ તરફ વળ્યાં છે. પ્રાઇવેટ યુનિ.માં અન્ય વૈકલ્પિક કોર્ષિસમાં પણ વિદ્યાર્થીઓ વધુ રસ દાખવી રહ્યાં છે જેથી એન્જિનિયરીંગમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે.

વેબદુનિયા પર વાંચો