પોતાના ઘરમાંથી આઠ લાખનો મુદ્દામાલ ચોરનારને જ સોંપ્યો ઘરનો કાર્યભાર

શનિવાર, 21 માર્ચ 2015 (14:07 IST)
અમદાવાદના શાહીબાગ વિસ્તારના એક બંગલામાંથી ઘરના નોકરે કરેલી લાખોની ચોરીની આજથી ૧૪ વર્ષ પહેલાં બનેલી ઘટના અનોખી છે. રોકડ–દાગીના સહિત રૂપિયા ૮ લાખની મતાની ચોરી કરનાર એ નોકરને તેના માલિકે ઘરનો હિસાબ સોંપી દીધો છે.

આ ઘટનાની માહિતી આપતાં અમદાવાદના એક ફૅક્ટરી માલિક વિજયભાઈ અગ્રવાલે કહ્યું હતું કે ‘હું ૨૦૦૧માં નારણપુરાના વૃદ્ધાશ્રમના વૃદ્ધોને અને મારી ફૅમિલીને બે લક્ઝરી બસ લઈને શ્રીનાથજી દર્શન કરાવવા લઈ ગયો હતો. અમે ઘરે પાછા ફર્યા ત્યારે મારો નોકર ઘરમાંથી આઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયો હતો. તેને રાજસ્થાનના ડુંગરપુર પાસેથી પોલીસે ઝડપી લીધો.

તેને પકડીને અમદાવાદ લાવ્યા પછી અમે તેને પૂછ્યું કે તારા પર વિશ્વાસ મૂક્યો હતો ત્યારે તેં ચોરી શા માટે કરી? મેરે કો પતા નહીં, મૈંને ક્યોં ચોરી કી? એમ કહીને નોકર રડવા લાગ્યો હતો. એ વખતે  મને થયું કે કદાચ તેનો સમય ખરાબ હશે માટે તેણે ચોરી કરી હશે. મેં તેને પૂછ્યું હતું કે ફરીથી મારા ઘરે કામ કરીશ? નોકરે મારી સામે જોયું અને હા પાડી. તેને ગુનેગાર બનતો અટકાવવા માટે અને જેલમાં જતો અટકાવવા ર્કોટમાંથી ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. પછી નોકરને સીધો ઘરે લાવ્યો હતો.’આજે ૧૪ વર્ષ પછી પણ તે નોકર વિજય અગ્રવાલની ફૅમિલી સાથે જ રહે છે અને હવે તે ઘરનો સભ્ય બની ગયો છે. પહેલાં તે માત્ર ઘરની સંભાળ રાખતો હતો હવે એ નોકર ઘરનો હિસાબ પણ રાખે છે.

વેબદુનિયા પર વાંચો