પોકર ગેમ અંગે હાઇકોર્ટે ગૃહવિભાગના સેક્રેટરીને નોટિસ પાઠવી
મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (14:16 IST)
પોકર ગેમ રમવા માટે મંજુરી લેવાના નિયમને ઈન્ડિયન પોકર એસોસિએશનના સેક્રેટરીએ હાઇકોર્ટમાં પડકાર્યો છે.પીટીશનમાં પોકર સ્કિલ ગેમ હોવાથી તે રમવા માટે મંજૂરી લેવાના નિર્ણયને રદ કરવા દાદ માગી છે.અમદાવાદના વાયએમસીએ કલબમાં પોકર ગેમ રમતી વખતે પોલિસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે તે બંધ કરવા પણ દાદ માગવામાં આવી છે.આ અંગેની સુનાવણી જસ્ટિસ સી.એલ.સોનીની કોર્ટ સમક્ષ હાથ ધરાઇ હતી. કોર્ટે ગૃહવિભાગના સેક્રેટરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલિસ કમિશનરને નોટિસ પાઠવી છે. વધુ સુનાવણી ૧૨મી જાન્યુઆરી પર મુલતવી રાખવામાં આવી છે.ઇન્ડિયન પોકર એસોસિએશનના સેક્રેટરી કે.એન. સુરેશે કરેલી પીટીશનમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે , પોકર ગેમ એ જુગારની કેટેગરીમાં નથી આવતી માટે તેને રમવા માટે કોઇ મંજુરી લેવી ફરજીયાત ન હોવી જોઇએ. હાલમાં સ્કીલ ગેમ ગણાતી પોકર ગેમ માત્ર સ્થાપિત મેમ્બર જ રમી શકે છે,સામાન્ય લોકો આ ગેમ રમી શકતા નથી. તેને રમવા માટે મંજૂરી લેવી પડે છે.કેન્દ્ર સરકારએ પણ મંજૂરી આપી હોવાથી પોલીસ દ્વારા હેરાનગતિ કરી શકાય નહી. મંજૂરી વગર પોકર સ્કીલ કાર્ડ રમવા માટે દાદ માગવામાં આવી છે.પોકર એક સ્કીલ એટલે કે કૌશલ્ય આધારિત ગેમ છે. તેથી કાયદા અનુસાર તેને રમવા માટે કોઇપણ સત્તાતંત્રની મંજુરી લેવાની જરૂર નથી. ગુજરાત પ્રીવેન્શન ઓફ ગેમ્બલીંગ એકટની કલમ૧૩ અને બોમ્બે પ્રીવેન્શન ઓફ ગેમ્બલીંગ એક્ટ ૧૯૫૫ની જોગવાઇઓ અનુસાર જે રમતો કૌશલ્ય આધારિત હોય છે તેનો ઉક્ત કાયદામાં સમાવેશ થતો નથી, તેથી પોકર ગેમ રમવા મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. અન્ય રાજયોમાં પોકર રમવા માટે એનઓસી કે મંજુરી લેવામાં આવતી નથી. પરતું અમદાવાદમાં વાયએમસીએ કલબમાં પોલીસ દ્વારા વારંવાર હેરાનગતિ કરવામાં આવે છે તે બંધ થવી જોઇએ.