પાટીદાર યુવાનની ધરપકડ અંગે અલ્પેશ ઠાકોરે જાહેર કર્યો કાર્યક્રમ, 10,000 યુવાનો નીતિન પટેલને ફોન કરશે

શનિવાર, 21 જાન્યુઆરી 2017 (14:20 IST)
સુરતમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ હાર્દિક પટેલે સુરતમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો તેના બે દિવસ બાદ વ્યસવમુક્તિની ઝુંબેશ ચલાવનારા અલ્પેશ ઠાકોરે શનિવારે સુરતની મુલાકાત લઈ પોતાનું નિવેદન આપ્યું હતું. પત્રકારો સાથેની વાતચિતમાં તેમણે કહ્યું હતું કે કાયદાનો ચુસ્તપણે અમલ ન કરાતો હોવાના કારણે લઠ્ઠાકાંડ સર્જાય છે. તેમણે કહ્યું હતું કે દારૂબંધી સંદર્ભે રાજ્ય સરકારે કાયદો જરૂર કડક બનાવ્યો છે પરંતુ કાયદાની જોગવાઈ પ્રમાણે તેનો ચુસ્ત અમલ થતો નથી જેના કારણે લઠ્ઠાકાંડ સર્જાયો છે. કાયદાનો ચુસ્ત અમલ થાય તે માટે પોતે સુરતના પોલીસ કમિશનરને મળી રજૂઆત કરશે. નીતિન પટેલ સાથે વાત કરનારા યુવાન સામે ગુનો નોંધાયો તે વાતનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું હતું કે આવતીકાલ રવિવારથી અમે એક કાર્યક્રમ શરૂ કરવાના છીએ. જેમાં રાજ્યભરનાં ગામડાંમાંથી 10,000 યુવાનો આ રીતે નીતિન પટેલને ફોન કરશે. જોઈએ કેટલા યુવાનો સામે ગુનો નોંધે છે વ્યસનમુક્તિના સંદર્ભમાં તેમણે કહ્યું કે આગામી બીજી ફેરબ્રુઆરીથી વ્યસનમુક્તિ ઝુંબેશનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે. સુરતમાં અલ્પેશ ઠાકોરે પત્રકારો સાથે વાતચિત કરી તે પૂર્વે તેણે લઠ્ઠાકાંડમાં મોતને ભેટેલા કેટલાક યુવાનોના ઘરની મુલાકાત લીધી હતી અને પરિવારજનોને સાંત્વના આપી હતી.

વેબદુનિયા પર વાંચો