પાટીદાર, દલિતો બાદ ક્ષત્રિયો નારાજ થયાના સોશિયલ મીડિયા પર ફરતા થયા મેસેજ

મંગળવાર, 16 ઑગસ્ટ 2016 (12:36 IST)
ગુજરાતમા ભાજપ માટે કપર ચઢાણ વધુ કપરા બની રહ્યા છે. જાતિગત રાજકારણમાં પાટીદાર અને દલિતોના ભાજપ તરફી આક્રોશ બાદ ક્ષત્રિયોમા પણ નારાજગી વધી રહી છે. મુખ્ય મંત્રી, પ્રદેશ પ્રમુખ અને પ્રધાન મંડળના ફેરફાર બાદ ક્ષત્રિયોમાં આક્રોશના મેસેજ સોશિયલ મીડિયા પર વહેતા થયા છે.

છેલ્લા એક દાયકામાં ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતીમાં જાતિગત રાજકારણ ચરમસિમાએ છે. પાટીદાર આંદોલન બાદ ભાજપથી વિમુખ થયેલા પાટીદારો અને ઉના કાંડે 2017ની ચૂંટણી માટે ભાજપની મુશ્કેલીઓ વધારી દીધી છે. ઉનાની ઘટના બાદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા પછી નવા મુખ્યમંત્રી અને તેના પ્રધાન મંડળની રચના બાદ પ્રદેશ પ્રમુખની વરણીમાં વધુ એક સમાજ ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. ગુજરાતમા સંગઠન તથા સરકારના મુખ્ય હોદ્દાઓ પર છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિયોને બાકાત રખાતા સોશિયલ મીડિયા પર પક્ષ સામે રોષની લાગણી સાથેના મેસેજીસ ફરતા થયા છે.
સોશિયલ મીડિયા પર વહેતા થયેલા મેસેજમા છેલ્લા ઘણા સમયથી આઈ.કે. જાડેજાને પક્ષમાંથી સાઈડ લાઈન કરાયા હોવાની સાથે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રસિંહ ચૂડાસમાની સાથે કિરિટસિંહ રાણાને સંસદીય સચિવ તરીકે ઉપેક્ષા કરવામાં આવી છે. મેસેજમાં સ્પષ્ટ લખવામા આવ્યું છે કે ક્ષત્રિય સમાજનની તાકાત બતાવવાનો સમય પાકી ગયો છે 2017ના દિવસો દૂર નથી તાકાતનો પરિચય કરાવવા એક બની તૈયાર રહેવાની હાકલ કરવામાં આવી છે.

માનવામાં આવી રહ્યું છે કે પાટીદાર અને દલિત આંદોલન બાદ ભાજપ ડેમેજ કંટ્રોલ માટે આનંદીબેન પટેલનું રાજીનામુ લઈ લીધું પરંતુ રાજીનામા બાદ મુખ્ય મંત્રીના પ્રધાન મંડળ સચિવોની વરણી અને પ્રદેશ પ્રમુખની વરણીમાં ક્ષત્રિયોની ઉપેક્ષા થતાં સોશિયલ મીડિયા પર વહેતા થયેલા મેસેજીસ આવનાર સમયમાં ભાજપની મુશ્કેલીઓ વધારી શકે છે.

વેબદુનિયા પર વાંચો