પાઈપ લાઈન પ્રોજેક્ટ ; પાણી ઓછુ અને પ્રચાર ઝાઝો.

સોમવાર, 12 સપ્ટેમ્બર 2016 (14:28 IST)
હમણાં જ્યારથી પ્રધાન મંત્રી એ સૌની યોજનાનું લોકાર્પણ કર્યું ત્યારથી મુખ્ય મંત્રી ગામે ગામ પીવાના આને સિંચાઈના પાણી મળવાની મધલાળ પીરસી રહ્યા છે. પ્રજાને પાણી ના સપના બતાવતી સરકાર યોજનાના  આર્થિક પાસાને સંતાડી રહી છે. યોજના પાછળ જેટલો ખર્ચ થશે તેની સામે કેટલું પાણી મળશે એ સંશોધનનો વિષય છે.

આમ તો પાઈપ લાઈન યોજના એટલે “ પ્રજાને લાંબી કસે ધવરાવવાનો વ્યાયામ” આવી યોજના ઘણી ખર્ચાળ હોય છે, તેમાં અઢળક ભ્રષ્ટાચાર થાય છે.તેનાથી પ્રજા પરાવલંબી બને છે, તેના કારણે કાલખાના પાણી તાણી જાય છે અને ઉનાળો આવતા લોકો ઠેર ને ઠેર તરસ્યા રહે છે. આવો આવી યોજનાનો ગુજરાતી ઈતિહાસ તપાસીએ.
એક સમયના પ્રજા સમાજવાદી અને પછી કોંગ્રેસી બનેલા સનત મહેતાને સૌ પ્રથમ પાઈપ લાઈનો પાથરવાનો અભરખો  જાગ્યો. ૧૯૮૬ માં પાણીની અછત ઉભી થઇ ત્યારે તેમણે એક સમયે ઇઝ્ઝ્રેલ માં જોએલી પાઈપ લાઈન જેવો “ચાણોદ ચોટીલા પાઈપ લાઈન” પ્રોજેક્ટ પ્રધાન મંત્રી રાજીવ ગાંધીને બતાવી તેની મંજુરી મેળવી. રૂ.૫૦૦ કરોડનો આ પ્રોજેક્ટ માત્ર વચગાળા ના સમય માટે કામ કરવાનો હતો. ૧૯૮૬ માં શરુ કરી તેને ૧૯૯૦ માં પૂર્ણ કરવાનો હતો. નર્મદા વિકાસ વિભાગ ના અધ્યક્ષ શ્રી પી એ રાજ સમિતિએ યોજના આગળ વધારવા મત્તું માર્યું.
૧૯૮૯ માં સરકાર બદલાની અને પ્રોજેક્ટ પડતો મુકાયો.
૧૯૯૦ માં ચીમનભાઈ પટેલ મુખ્ય મંત્રી બન્યા અને ત્રણ વરસ પછી સનત મહેતાને બીજી વાર નર્મદા નિગમના અધ્યક્ષ બનાવ્યા. તેમણે ફરીવાર ૫૦૦ ના બદલે હવે ૭૦૦ કરોડની ચાણોદ ચોટીલા પાઈપ લાઈન આગળ વધારી.
નરેન્દ્ર મોદીની જેમ ૧૯૯૫ ની વિધાન સભાની ચુંટણીની પૂર્વે – લોક લાગણી ને પોતાના તરફ વળવા માટે – પાળીયાદ પાસે શિલાન્યાસ કર્યો. ૧૯૯૫ ની ચુંટણી માં કોંગ્રેસ નો પરાભવ થયો.
૧૯૯૫ ના માર્ચ મહિનામાં કેશુભાઈ પટેલ ભાજપા સરકારના મુખ્ય મંત્રી બન્યા ત્યારે પુરુષોત્તમ રૂપાળા નર્મદા વિકાસ મંત્રી અને જયનારાયણ વ્યાસ નર્મદા નિગમના અધ્યક્ષ બન્યા. ગાદીએ બેઠા બાદ જયનારાયણ વ્યાસે સૌથી પહેલું કામ – સનત મહેતા સૂચિત પાઈપ લાઈનને પહેલા સ્થગિત અને પછી તેને રદ કરવાનું કર્યું. રદ કરવાનું કારણ આ યોજના આર્થિક રીતે પોસાય તેવી નથી – તેવું જણાવ્યું. હવે ખૂબી એ થઇ કે ત્યાર બાદ ભાજપ સરકારે અનેક પાઈપ લાઈન પ્રોજેક્ટ તરતા મુક્યા – જે ગુજરાતની પ્રજાને આર્થિક રીતે પોસાય તેવા નથી. તેમાયે રૂ.૧૦૦૦ કરોડ (હવે ૧૨૦૦ કરોડનો) સૌની યોજનાનો પાઈપ લાઈન પ્રોજેક્ટ કેટલો આર્થિક રીતે સક્ષમ સાબિત થશે એ સવાલ કોઇકે જયનારાયણ વ્યાસને પૂછવા જેવો છે.
૧૯૯૭ માં ગુજરાતમાં ફરી વાર સત્તા પલટો થયો અને શંકરસિંહ વાઘેલા મુખ્ય મંત્રી બન્યા. તેમણે ફરીવાર દબાણ ને વશ થઇ ભાજપે રદ કરેલો “ચાણોદ ચોટીલા પાઈપ લાઈન પ્રોજેક્ટ “ ૨ ઓક્ટોબર ૧૯૯૭ ના દિવસે સજીવન કર્યો. અને અમદાવાદ જીલ્લાના ફેદરા ગામે નવો શિલાન્યાસ કર્યો.
૧૯૯૮ ના એપ્રિલમાં ફરીવાર ગુજરાતમાં સત્તા પલટો થયો. કેશુભાઈ પટેલ, જયનારાયણ વ્યાસ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ગામે ગામ પીવાના અને સિંચાઈના પાણી પહોંચાડવાના ભાષણ કરવા માંડ્યા. જયનારાયણ વ્યાસે વિધાનસભા માં જાહેરાત કરી કે સરદાર સરોવર યોજના સમયસર આગળ વધી રહી છે અને ૨૦૦૫ સુધીમાં ભાજપ સરકાર તેને પૂર્ણ કરી બતાવશે. ૧૯૯૫ જે ભાજપ સરકારે ચાણોદ ચોટીલા પાઈપ લાઈન રદ કરી હતી તેને “મહી પરીએજ પાઈપ લાઈન “ નામની નવી યોજના જાહેરાત કરી. આ યોજનાનો ખર્ચ રૂ.૭૦૦ કરોડ અને ભાવનગર , અમરેલી અને જૂનાગઢની જળ સમસ્યાનો ઉકેલ બતાવ્યો. ૨૦૦૧ ના માર્ચ મહિનામાં મહી પરીએજ પાઈપ લાઈનમાં પાણી વહેતા થયા, પીપળી, નાવડા, બોટાદ, ગઢડા, બાબરા, ચાવંડ , અમરેલી, જેતપુર, જસદણ અને છેક ગોંડલ –ભાવનગર સુધી “નર્મદાના નીર ના વધામણા કરાયા. બંને હાથ ની મુઠી બંધ કરી હવામાં ઉછાળી “ નર્મદે...સરવડે ..” ના નારાઓ લગાવાયા. ત્યાર બાદ કેશુભાઈ પટેલે ઉત્તર ગુજરાતના ગામડાઓને પાણી પહોંચાડવ એક નવી પાઈપ લાઈન યોજનાની જાહેરાત અને ખાત મુહુર્ત કર્યું.
૨૦૦૧ ના ઓક્ટોબરમાં ભૂકંપ ના પુનાર્વાસમાં નિષ્ફળ રહેલા કેશુભાઈ પટેલને પાણીચું અપાયું.
નરેન્દ્ર મોદી નવા મુખ્ય મંત્રી બન્યા. તેમણે તો ધડા-ધડ એક પછી એક અવનવી યોજનાઓની જાહેરાતો કરવા માંડી,
સિંધુ નદીના પાણી સૌરાષ્ટ્રમ, સંત સરોવર –ગાંધીનગરમાં,- નદીઓને જોડવાની યોજના- ગુજરાતના બધી નદીઓ ઉપરના ખાલી પડેલા ડેમને નર્મદાના પાણી થી છલકાવી દેવાની યોજના, - રૂ. ૫૪,૦૦૦ કરોડની કલ્પસર યોજના,- રૂ. ૬૦૦૦ કરોડની ફૂસલમ-ફૂસલમ યોજના, સ્વર્ણિમ ગુજરાત પાઈપ લાઈન યોજના અને અંતે ૨૦૧૩ ની વિધાનસભાની ,૨૦૧૪ ની લોકસભાની અને હવે ૨૦૧૭ ની ગુજરાતની વિધાન્સભાઈ ચુંટણી જીતવા માટે “સૌની યોજના’
આ બધી યોજના ની હાલત કફોડી થવાનું કારણ એ હશે કે પાણીને પાઈપ લાઈનમાં ચડાવવાનું વીજળી ખર્ચ એટલું મોટું આવશે કે ભાવી ગુજરાતની ૭ કરોડની પ્રજા દેવા ચુકવવા અને વીજળી પાણીના બીલ ભરવામાં બેવડ વળી જવાની. હવે જયારે તમે તમારા હાથની મુઠી બંધ કરી, હવામાં ઉછાળી “નર્મદે-સર્વ દે” નો જયનાદ કરો ત્યારે બે વાર વિચારજો. હજુ તો મહા ભયાનક કોમ્પ્રેસ્ડ પાઈપ ઈરીગેશન પ્રોજેક્ટ ગુજરાતના ખેડૂતોના દરવાજે દસ્તક દઈ રહ્યો છે

===ભરતસિહ ચુડાસમા,

વેબદુનિયા પર વાંચો