પહેલા એ કહો તમે હારો છો કેમ?, ગુજરાત કોંગ્રેસ પાસે રાહુલે માંગ્યો હારનો હિસાબ

સોમવાર, 29 જુલાઈ 2013 (17:00 IST)
P.R


ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે હિસાબ દો જવાબ દોના સ્લોગનો સાથે રાજ્યવ્યાપી આંદોલન કરનારી ગુજરાત કૉંગ્રેસને હવે સતત ૧૫ વર્ષની હારનો હિસાબ યુવરાજ રાહુલ ગાંધી સામે રજૂ કરવાનો વારો આવ્યો છે. ગઇકાલે રાહુલ ગાંધી સાથે બેઠક પૂરી કરીને આવેલા કોંગ્રેસના બે પ્રદેશ નેતા વાઘેલા અને મોઢવાડિયાને હજુ આવતી કાલે પણ યુવરાજ સાથે વન-ટુ- વન બેઠક કરીને પરાજયના કારણો આપવા પડશે.

રાજ્યમાં સતત ભાજપની જીત અને કોંગ્રેસની હારથી મૂંઝાયેલી કૉંગ્રેસની દિલ્હીની નેતાગીરીએ હવે આગામી લોકસભાની ચૂંટણીમાં દર વખતની જેમ માત્ર હાર જ ન વેઠવી પડે તે માટે ખૂદ રાહુલ ગાંધીને ગુજરાત સોંપીને કૉંગ્રેસની જૂથબંધી સહિતના હારના કારણોનું નિદાન કરવાનું અઘરૂ કામ સોંપ્યું છે. રાહુલ ગાંધીએ ગઇ કાલે જ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાને ખાસ તેડું મોકલીને નવી દિલ્હી બોલાવ્યા હતા. તેમજ બન્ને વિધાનસભાની ત્રણ ત્રણ સામાન્ય ચુંટણીઓ તેમજ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા તથા જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં સતત થતા પરાજયના કારણો માગ્યા હતા. એટલું જ નહીં તાજેતરમાં જ યોજાયેલી લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ થયેલા કારમા પરાજયનું ગણિત પણ રજૂ કરવાનું કહ્યું હતું. જો કે ગઇકાલની બેઠક બાદ હજુ પણ હારના હિસાબમાં કેટલાક કારણો ખૂંટતા હોવાથી આ બન્ને નેતાઓને ફરીથી આવતીકાલે નવી દિલ્હી હાજર થવાનું પણ ફરમાન કરતા મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા સંભવત: આવતીકાલે ફરીએકવાર નવી દિલ્હી જશે તેમજ આ વખતે આ બન્ને નેતાઓને રાહુલ ગાંધી વન-ટુ-વન સાંભળશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે ચાર વાગ્યે મોઢવાડિયા અને વાઘેલા સાથે રાહુલ ગાંધી આ બેઠક યોજવાના છે. આ બન્ને નેતાઓ પહેલા ગુજરાતના પ્રભારી ગુરુદાસ કામત સાથે સમિક્ષાબેઠક યોજશે, ત્યારબાદ રાહુલ ગાંધી સાથે બેઠક યોજવામાં આવશે.

દરમિયાન ગુજરાતના પ્રભારી ગુરુદાસ કામતે કૉંગ્રેસના હારના કારણો અને જૂથબંધીની ઝીણામાં ઝીણી વિગતો સાથેનો અહેવાલ પણ રજૂ કર્યો છે, જે રાહુલ ગાંધી સમક્ષ રજૂ થશે. રાજ્યમાં કૉંગ્રેસમાં કાર્યકરોની અવમાનના અંગે અગાઉ થયેલી રજૂઆતોને પણ આ બેઠકમાં પડઘો પડશે.

વેબદુનિયા પર વાંચો