નીલોફર અરબી સમુદ્રમાં ડુબ્યું, ગુજરાત પરથી સંકટ ગયું

શનિવાર, 1 નવેમ્બર 2014 (16:31 IST)
અરબી સમુદ્રમાં ઓમાન નજીક સર્જાયેલુ નીલોફર વાવાઝોડું દરિયામાં જ દફન થઇ જતા ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી સંકટના વાદળો વિખેરાઇ ગયા છે. તંત્રએ ભારે વરસાદની આગાહી પણ પાછી ખેંચી લીધી છે. માત્ર વાવાઝોડાની અસર સ્વરૂપ છૂટા છવાયા ઝાપટાં પડે તેવી શકયતા જણાઇ રહી છે. સ્થળાંતરિત કરાયેલા પરિવારજનોને પોતાના મકાનમાં જવાની તંત્રએ છૂટ આપતા આ લોકોમાં પણ ખુશીની લહેર ફરી વળી છે તો વાવાઝોડાનો ભય ટળી જતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે.

વેર્સ્ટન ડિસ્ટબર્ન્સના કારણે ડિપ ડિપ્રેશન હવે લો પ્રેશરમાં ફેરવાયું હોવાથી ખાસ કરીને ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોના માથેથી વિનાશક નીલોફર વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. જો કે વહીવટી તંત્ર દ્વારા શનિવાર સુધી હાઇએલર્ટ ચાલું રાખવામાં આવ્યું છે.

નીલોફર નામનું વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કાંઠે ભારે વિનાશ સર્જશે તેવી દહેશત વ્યકત થઇ હતી અને તંત્રએ પણ સર્વત્ર હાઇએલર્ટ કરેલ હતું પરંતુ શુક્રવારે સવારે વાવાઝોડું અરબી સમુદ્રમાં જ વિલીન થઇ જતા કેન્દ્ર, રાજય અને લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. સતત નબળું પડતુ આ વાવાઝોડું દરિયામાં વિલીન થઇ ગયું છે.

આજે સવારે આ વાવાઝોડું નલીયાથી ૪૦૦ કિ.મી. દુર દરિયામાં વિખેરાઇ ગયું હતું અને તેની ઝડપ પણ ઘટીને પ્રતિ કલાક ૬૦ કિ.મી.ની થઇ ગઇ હતી. જો કે વાવાઝોડાની અસર સ્વરૂપ રાજયમાં અનેક સ્થળે છૂટો છવાયો વરસાદ પડે તેવી શકયતા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને પપ૦ રાહત અને બચાવ કાર્યકરો, બોટો અને પુર બચાવ ઉપકરણો તૈયાર રાખ્યા હતા.

વેબદુનિયા પર વાંચો