નીલોફરની તાકાત ઘટી રહી છે, દરિયામાં વિખેરાઇ જવાની શક્યતા

બુધવાર, 29 ઑક્ટોબર 2014 (16:48 IST)
ઓમાન નજીક અરબી સમુદ્ર પર સર્જાયેલો નીલોફર ચક્રવાત અત્યારે ગુજરાતના કચ્છ જિલ્લાથી ૧૧૧૦ નૉટિકલ માઇલ દૂર છે અને મૂવ થઈને સૌરાષ્ટ્ર-કચ્છ બાજુએ આવે એવી શક્યતા ગુજરાત હવામાન વિભાગે વ્યક્ત કરી હતી અને સાથોસાથ હવામાન વિભાગે એ વાત પણ કહી હતી કે ચક્રવાતની મૂવમેન્ટ ધીમી થઈ ગઈ હોવાથી બની શકે કે નીલોફરની અસર ઓછી થઈ જાય. ગુજરાત હવામાન વિભાગનાં સિનિયર ઑફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘જો નીલોફરની ગતિ ધીમી નહીં પડે કે એની તાકાત મંદ નહીં પડે તો શનિવારે સવાર સુધીમાં એની અસર સૌરાષ્ટ્ર-કચ્છના સાગરકાંઠે દેખાય એવી પૂરી શક્યતા છે. નીલોફરની દિશા નલિયા તરફની છે. નીલોફર આવશે ત્યારે ૮૦થી ૧૨૦ કિલોમીટરની ઝડપ સાથે ભારે પવન ફૂંકાશે અને અતિભારે વરસાદની પણ શક્યતા છે.’
 
ગુજરાત હવામાન વિભાગે નીલોફરની તાકાત ઘટી રહી છે એવી શક્યતા દેખાડ્યા પછી પણ ગુજરાત સરકારે અગમચેતીનું એક પણ પગલું ઢીલું નથી મૂક્યું અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ટીમથી લઈને સિનિયર અધિકારીઓને તૈયાર રાખ્યાં છે. ગુજરાત સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસે કહ્યું હતું કે ‘ગુજરાતનાં તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ રાખવામાં આવ્યું છે. દરિયામાં પ્રવેશબંધી છે અને બંદર પર માલવાહક જહાજમાંથી અનલોડિંગ પણ બંધ કરાવી દેવામાં આવ્યું છે. દરિયાકાંઠે આવેલાં ગામો ખાલી કરાવવાની સૂચનાનો પણ અમલ થઈ ગયો છે.
 
ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર અને કચ્છમાં એક-એક કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે કચ્છના પુરવઠાતંત્ર વિભાગને જીવનજરૂરી ચીજવસ્તુઓ કઈ રીતે ઝડપથી પહોંચી શકે એ માટે પણ પ્લાનિંગ કરી રાખવાની સૂચના આપવામાં આવી છે.
 
વડા પ્રધાન અને નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકાર પાસેથી નીલોફર ચક્રવાતનો રિપોર્ટ મગાવ્યો હતો તો એની સાથોસાથ કયા પ્રકારની તૈયારીઓ કરી રાખવામાં આવી છે એનો અહેવાલ પણ મગાવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો