નીતિન પટેલને વિશાળ ચેમ્બર આપવા ગણપત વસાવાની ચેમ્બર ખાલી કરાવી

શુક્રવાર, 12 ઑગસ્ટ 2016 (11:48 IST)
ગુજરાતમાં નવા મુખ્યમંત્રીના નવા મંત્રી મંડળને સૌપ્રથમ ચેમ્બરો ફાળવી દેવામાં આવી હતી. ત્યારે હવે રાજ્યમાં લાંબા સમય બાદ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલને વિશાળ ચેમ્બર આપવા માટે ગણપત વસાવાની ચેમ્બર ખાલી કરાવવામાં આવી છે. વિજય રૂપાણીએ તેમના મંત્રીમંડળ સાથે રવિવારે શપથ ગ્રહણ કર્યા બાદ સોમવારે પ્રથમ કેબિનેટ બેઠક બોલાવી મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી જેની સાથે ચેમ્બરો પણ ફાળવવામાં આવી હતી.

 ડેપ્યુટી સીએમ નીતિન પટેલે તેમને આરોગ્યમંત્રી તરીકે મળેલી સ્વર્ણિમ સંકુલના બીજા માળે 1 નંબરની ચેમ્બર યથાવત્ રાખી હતી જેથી બાજુની ચેમ્બર નં.2 જે અગાઉ મંગુભાઇ પટેલને અપાઇ હતી તે ચેમ્બર ગણપત વસાવાને ફાળવાઇ હતી. સોમવારે જ ગણપત વસાવાએ પૂજાવિધિ સાથે ચેમ્બરમાં પ્રવેશ કર્યો હતો પરંતુ ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નીતિન પટેલને તેમના હોદ્દાની રૂએ અને કામકાજના ભારણને ધ્યાને રાખીનો મોટી ચેમ્બર આપવાનો આગ્રહ રાખતા ગણપત વસાવાને ચેમ્બર ખાલી કરાવી પ્રથમ માળે 5 નંબરની ચેમ્બર ફાળવાઇ છે.

પટેલે આગાઉની ચેમ્બર જાળવી રાખી પણ રૂપાણીએ કામગીરી અને હોદ્દો ધ્યાને રાખી વિશેષ જગ્યા માટે આગ્રહ કર્યોનીતિન પટેલ પાસે નાણા, શહેરી વિકાસ,નર્મદા અને માર્ગ મકાન જેવા મહત્વના વિભાગો હોવાને કારણે તેમના સ્ટાફની સંખ્યામાં પણ વધારો થશે જેથી તેમની હાલની ચેમ્બરને બાજુની ચેમ્બર સાથે મર્જ કરીને વિશાળ ચેમ્બર આપવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો