નવરાત્રિના આ તહેવારમાં ગૌભક્ષકોને નો-એન્ટ્રી: VHP

મંગળવાર, 23 સપ્ટેમ્બર 2014 (14:40 IST)
ગરબામાં મુસ્લિમોને પ્રવેશનો વિવાદ વકર્યો છે અને હવે ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદે (VHP)બાંયો ચડાવી છે. ગરબામાં મુસ્લિમોના પ્રવેશ સામે વાંધો ઉઠાવી નવરાત્રિ દરમ્યાન જ્યાં ગરબાના કાર્યક્રમો યોજાય છે એવાં સ્થળોએ આખા ગુજરાતમાં બજરંગ દળની વૉચ ગોઠવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

૨૫ સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મુસ્લિમોને ગરબામાં નહીં પ્રવેશવા દેવા આયોજકોને સૂચના આપવામાં આવી છે. VHPના મહામંત્રી રણછોડ ભરવાડે કહ્યું હતું કે ‘ઠાસરા તાલુકાના રુસ્તમપુરા ગામના ઇમામ મેહંદી હસન બુખારીએ નવરાત્રિને રાક્ષસોનો તહેવાર ગણાવ્યો છે. નવરાત્રિ એ હિન્દુઓની આસ્થાનો તહેવાર છે અને તેમણે ધાર્મિક લાગણી દુભાવી છે. નવરાત્રિના આ તહેવારમાં ગૌભક્ષકોને નો-એન્ટ્રી. હિન્દુ બનીને આવે તેમના માટે અમે વ્યવસ્થા કરીશું. ગુજરાતમાં થતા નવરાત્રિના આયોજનમાં આખા ગુજરાતમાં બજરંગ દળનો ચોકીપહેરો ગોઠવવામાં આવશે.’

વેબદુનિયા પર વાંચો