નર્મદા મુખ્ય નહેર આધારિત ૯ પાઇપલાઇન દ્વારા ૨૭૭ તળાવો નર્મદાના પાણીથી ભરાયા

ગુરુવાર, 23 જુલાઈ 2015 (17:53 IST)
સુજલામ સુફલામ યોજના હેઠળ રાજ્‍ય સરકારના સિંચાઇ વિભાગે નર્મદા મુખ્‍ય નહેર આધારિત ૯ પાઇપલાઇન દ્વારા જોડાયેલા તળાવમાંથી ૨૭૭ તળાવો ઉપરાંત કડાણાથી બનાસ સુધીની ૩૩૭ કિલોમીટર લાંબી સુજલામ સુફલામ સ્‍પ્રેડીંગ કેનાલમાં કડાણા જળાશય તથા નર્મદાના પાણી વહેવડાવી આ કેનાલ દ્વારા ઉત્તર ગુજરાતમાં તળાવો ભરાતા ખેડૂતો માટે જે તે પાકની વાવણી નહિવત વરસાદ છતા પણ શક્‍ય બની છે તો જ્‍યાં વાવણી થઇ ચૂકી છે તેવા અનેક ગામોમાં નર્મદાના પાણીથી ભરાયેલા તળાવોના કારણે સિંચાઇ શક્‍ય બનતાં ખેંચાયેલા વરસાદના સંજોગોમાં પાકને જીવતદાન મળ્‍યું છે.

અત્‍યંત ઓછા અને લગભગ ૨૫ દિવસના ખેંચાયેલા વરસાદના સંજોગો છતા પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાનાં ગામતળાવો છલોછલ છલકાતા હોય તથા આસપાસનાં ખેતરો પણ કપાસના લીલાછમ પાકથી હરિયાળા બન્‍યા હોય તે સુખદ આશ્ચર્ય જન્‍માવે છે. જો કે છેલ્લા ૨ દિવસથી ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનો પ્રારંભ થયો છે, છતાં અગાઉના નહીંવત-ખેંચાયેલા વરસાદના સંજોગોમાં સુજલામ સુફલામ યોજના દ્વારા નર્મદાના પાણીથી ભરાયેલ તળાવોએ સંકટ સમયે ખેડૂતોમાં હામ પૂરી છે.

એક અર્થમાં કહીએ તો બનાસકાંઠા જેવા જિલ્લામાં ચાંગાથી દાંતીવાડા જળાશય સુધીની ૭૯.૬૦ કિલોમીટર લાંબી અને અંદાજે ૩.૨૫ મીટરનો વ્‍યાસ ધરાવતી ભૂગર્ભ ચાંગા-દાંતીવાડા-સીપુ પાઇપલાઇન યોજના અંતર્ગત નર્મદા નહેરમાંથી પાણીનું ઉદ્‌વહન કરી છેક દાંતીવાડા જળાશયની આસપાસના ગામોના તળાવોમાં પાણી વહેવડાવતા ‘નેવાના પાણી મોભે’ ચડયા હોય તેવી ઘટના બની છે. આ પાઇપલાઇન દ્વારા ૪૫ માળ જેટલી ઉંચાઇમાં પાણીનું ઉદ્‌વહન કરી ૨૯ ગામતળાવોને ભરી દેવાયા છે. તેના કારણે માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ ૩૫૦૦ હેકટરથી વધુ વિસ્‍તારમાં સિંચાઇનો ખેડૂતોને લાભ મળ્‍યો છે.

નર્મદા મુખ્‍ય નહેર આધારિત પાઇપલાઇન ઉપરાંત સુજલામ સુફલામ સ્‍પ્રેડીંગ કેનાલમાં પણ કડાણા ડેમમાંથી પાણી છોડાતા ભૂગર્ભ જળ રિચાર્જ થવાથી કેનાલની આસપાસના બન્ને તરફ અંદાજે ૪ કિલોમીટર વિસ્‍તારમાં અસંખ્‍ય ખેડૂતોના ખેતરોમાં આવેલા બોર કે કૂવાઓમાં પણ જળસપાટી સરેરાશ ૨૫ થી ૩૦ ફુટ જેટલી ઉંચે આવી હોવાનું ખેડૂતોનું કહેવું છે.
આ કેનાલની પથરેખા અંદાજે ૪ કિલોમીટરની હદમાં ભૂગર્ભ જળ રિચાર્જ કરતી હોવાથી પ્રત્‍યક્ષ કે પરોક્ષ સિંચાઇનો લાભ ખેડૂતોને મળે છે. આ કેનાલની ૧૫૮.૯૭૦ કિલોમીટરથી ૨૭૪.૩૪૫ કિલોમીટરની હદમાં અંદાજે ૪૬૦૦૦ હેક્‍ટરમાં સિંચાઇનો પ્રત્‍યક્ષ કે પરોક્ષ લાભ ખેડૂતોને મળ્‍યો છે. આ કેનાલ સાથે જોડાયેલી ૧૪ ડ્રેઇનમાં પણ પાણી છોડવામાં આવ્‍યુ હોવાથી આસપાસના વિસ્‍તારોના બોરની જળસપાટી પણ ઉંચે આવી છે.

સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા મુખ્‍ય નહેર આધારિત ૯ પાઇપલાઇન દ્વારા જે ૨૭૭ ગામતળાવો નર્મદાના પાણીથી ભરવામાં આવ્‍યા છે તેની વિગતો જોઇએ તો જલુન્‍દ્રા માધવગઢ પાઇપલાઇન દ્વારા ૨૮, હાથમતી-ગુહાઇ પાઇપલાઇન દ્વારા ૩૪, પીયજ-ધરોઇ પાઇપલાઇન દ્વારા ૪૧, આદુંદ્રા-ખેરવા પાઇપલાઇન દ્વારા ૧૪, મોઢેરા-મોટીદઉ પાઇપલાઇન દ્વારા ૧૯, મોઢેરા-ધરોઇ પાઇપલાઇન દ્વારા ૪૩, ખોરસમ-માતપર પાઇપલાઇન દ્વારા ૩૫, ખોરસમ-સરસ્‍વતી પાઇપલાઇન દ્વારા ૩૪ અને ચાંગા-દાંતીવાડા પાઇપલાઇન દ્વારા ૨૯ ગામતળાવો નર્મદાના પાણીથી ભરી દેવાયા છે.

આ પાઇપલાઇન ઉપરાંત સુજલામ સુફલામ સ્‍પ્રેડીંગ કેનાલ દ્વારા ઉત્તર ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાને પણ સિંચાઇનો લાભ પ્રત્‍યક્ષ કે પરોક્ષ લાભ મળ્‍યો છે. મહેસાણા જિલ્લામાં ૪૩ કિલોમીટર સ્‍પ્રેડીંગ કેનાલમાં પાણી વહેવડાવીને ૫૩ તળાવો અને ૬ ચેકડેમ ભરવામાં આવ્‍યા છે તેના કારણે જિલ્લામાં ૧૬૦૦ હેક્‍ટરને સિંચાઇનો વધારાનો લાભ મળ્‍યો છે. જ્‍યારે સુજલામ સુફલામ સ્‍પ્રેડીંગ કેનાલથી ભૂગર્ભ જળ રિચાર્જ થતા જિલ્લાના ૭ તાલુકાઓમાં ૧૫૪૭૧ હેક્‍ટર વિસ્‍તારને રિચાર્જીંગનો લાભ મળ્‍યો છે. 

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી ૨૭ કિલોમીટર સુજલામ સુફલામ સ્‍પ્રેડીંગ કેનાલ દ્વારા નદીઓ અને ડ્રેઇનને જોડેલ છે. સાબરમતી નદીમાં પ કિલોમીટર લંબાઇમાં પાણી વહેવડાવાયું છે. સુજલામ સુફલામ સ્‍પ્રેડીંગ કેનાલ અને ઉદ્‌વહન પાઇપલાઇનથી ૨૮ તળાવો ભરી દેવાયા છે. આ જિલ્લામાં સુજલામ સુફલામ સ્‍પ્રેડીંગ કેનાલથી લાભિત વિસ્‍તાર ૧૦૮૦૦ હેક્‍ટર જેવો થવા જાય છે.

પાટણ જિલ્લામાંથી પસાર થતી ૪૫ કિલોમીટરની લંબાઇની સુજલામ સુફલામ સ્‍પ્રેડીંગ કેનાલ દ્વારા ૨ નદી અને ૯ ડ્રેઇનોમાં પાણી છોડી કુલ ૧૦૦ કિલોમીટર પાણીનું વહન કરાયું છે. આ કેનાલ અને ઉદ્‌વહન પાઇપલાઇનથી ભરવામાં આવેલ તળાવો અને ચેકડેમની વિગત જોઇએ તો ૭૩ તળાવ અને ૪૨ ચેકડેમ ભરાયા છે. આ તળાવો અને ચેકડેમ ભરાતા ૩૦૦૦ હેક્‍ટર વિસ્‍તારમાં સિંચાઇનો લાભ મળ્‍યો છે જ્‍યારે સુજલામ સુફલામ સ્‍પ્રેડીંગ કેનાલમાં પાણી છોડાતા આ ૧૮૩૧૦ હેક્‍ટર વિસ્‍તારમાં રિચાર્જીંગના લાભ મળ્‍યા છે.

બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી ૪૮ કિલોમીટર લંબાઇની સુજલામ સુફલામ સ્‍પ્રેડીંગ કેનાલમાં ૧ નદી ઉપરાંત તળાવો અને ચેકડેમ ભરાયા છે. સ્‍પ્રેડીંગ કેનાલમાં પાણી છોડાતા ૧૧૫૫૦ હેક્‍ટર વિસ્‍તારમાં સિંચાઇનો લાભ મળ્યો છે.
ઉત્તર ગુજરાતમાં છેલ્લા ૨૫ દિવસથી ખેંચાયેલા વરસાદ અને અગાઉ પણ પડેલા ઓછા પડેલા વરસાદના સંજોગોમાં ખેડૂતોના ખેતરો માટે સુજલામ સુફલામ યોજના સાચા અર્થમાં સુજલામ સુફલામ બની છે. કૂવાઓ અને બોર રિચાર્જ થવાના કારણે ખેડૂતોએ કરેલી વાવણીને જીવતદાન મળ્‍યું છે તો જ્‍યાં વાવણી થઇ નહોતી તેવા વિસ્‍તારોમાં ખેડૂતોએ વાવણી નો પ્રારંભ કર્યો છે. જો કે છેલ્લા ૨ દિવસથી ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરતા આ વરસાદ છોડાયેલા પાણીથી હરિયાળા બનેલા ખેતરો માટે આશીર્વાદરૂપ બનશે. જ્‍યારે સુજલામ સુફલામ દ્વારા તળાવોમાં પહોંચેલા નર્મદાના પાણી ખેડૂતો માટે કપરા સમયમાં અમૃતસમા સિધ્‍ધ થયા છે.

.

વેબદુનિયા પર વાંચો