નરેન્દ્ર મોદીનાં આઈ.ટી.ઈન્ચાર્જને શંકરસિંહ 'હેક' કરી ગયા

શનિવાર, 15 જૂન 2013 (15:55 IST)
P.R
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સોશિયલ વેબસાઈટ પર લાખો કરોડો વિઝિટરની હિટ અપાવનાર ગાંધીનગર ભાજપ આઈ.ટી.સેલના કો- કન્વીનરપદેથી રાજીનામું આપનાર પાર્થેશ પટેલ એક મહિના પછી વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના આઈ.ટી.ઈન્ચાર્જ તરીકે કોંગ્રેસમાં પ્રવેશ્યા છે ! સોશિયલ નેટર્વિંકગમાં ભાજપ અને મોદીના સાઈબર ફેસ તરીકે જાણીતા થયેલા ૨૪ વર્ષના એડમિન બાપુની છાવણીમાં બેસતા ફેસબુક, ટ્વિટરની યંગબ્રિગેડમાં રીતસર સાયબર વોર ફાટી નિકળી છે.

નરેન્દ્ર મોદીની પ્રતિભાથી આકર્ષાઈને પાર્થેશ પટેલ ૧૦ ગ્રૂપ, ૯ પેઈજ અને ૪ આઈ.ડી. દ્વારા તેમનું ફેસબૂક, ઓર્કુટ અને ગુગલ પ્લસ પર વૈશ્વિક સ્તરે પ્રમોશન કરતા હતા. પાર્થેશ પટેલ સામે ભાજપમાં ઈર્ષાની આગે બળતા આઈટી સેલના એક જૂથે હેકર્સની ટીમ કામે લાગી હતી. ઉચ્ચસ્તરે રજૂઆતો કર્યા બાદ કોઈ પરિણામ નહીં આવતા 'મોદીનું ગુજરાત' ફેઈમ પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. ગઈકાલે તેમણે ફેસબૂક પર ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના આઈટી ઈન્ચાર્જ તરીકે જોડાવાની જાહેરાત કરતા સોશિયલ મિડિયાની વેબસાઈટ પર સાયબર વોર ખેલાયું છે. ફેસબૂક પર ''નરેન્દ્ર મોદી ફેન ક્લબ'' અને ''મોદીનું ગુજરાત'' જેવા ગ્રૂપ અને પેઈજ દ્વારા મોદીસેના, મોદી બ્રિગેડ, આર્મી જેવા ગ્રૂપને ઉત્તેજન આપનાર પાર્થેશ પટેલના એડમિનવાળા પેઈજને ૯૧,૦૦૦થી વધુ લાઈક મળી છે. અને સોશિયલ નેટર્વિંકગ સાથે સંકળાયેલા ૧૪ લાખથી વધુ લોકો દર સપ્તાહે આ પેઈજની વિઝિટ કરે છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સોશિયલ મિડિયા પર પ્રમોટ કરવા માટે ચલાવતા આવા તમામ પેઈજમાં હવે 'બાપુનું ગુજરાત' અને 'રિયલ ગુજરાત' જેવા ગ્રૂપમાં કન્વર્ટ કરીને ભાજપમાં ચાલતી પોલંપોલ, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સાયબર ફંડાનું પોલખોલ અભિયાન ચાલુ કરવા પાર્થેશ અને તેમની ટીમ તૈયાર હોવાનું વાતચીત દરમિયાન જણાવ્યું હતું.

''સોશિયલ મિડિયામાં મારા દ્વારા ઓપરેટ થતા તમામ પેઈજ ચાલુ રાખીશ. 'મોદીનું ગુજરાત' અમે 'રિયલ ગુજરાત'નુ દર્શન કરાવીશું. ભાજપમાં જે ચાલુ રહ્યું છે તે ખતરનાક છે. હવે ત્યાંના આઈટી સેલ સાથે મારે કોઈ નિસબત નથી. સાયબર વર્લ્ડ દ્વારા પ્રજાકીય ફરિયાદોને વાચા આપીશું. 'બાપુનું ગુજરાત' પણ બનાવીશું !'' - પાર્થેશ પટેલ

પ્રેસિડન્ટ, મોદીનું ગુજરાત, યૂથ સપોર્ટ નરેન્દ્ર મોદી, યૂથ ઓફ નડિયાદ, નરેન્દ્ર મોદી ફેન ક્લબ, વી સપોર્ટ નરેન્દ્ર મોદી, યુથ મિનિસ્ટ્રી, ઈન્ડિયા વોન્ટ નરેન્દ્ર મોદી, મોદીનું ઈન્ડિયા ''ભાજપમાં કોઈના કામની કદર થતી નથી. એવા તો સેંકડો ઉદાહરણો છે. પાર્થેષના સોશિયલ નેટર્વિંકગમાં લાખો યૂઝર્સ સાથે કનેક્ટેડ છે. તેમણે ભાજપ માટે નિઃર્સ્વાર્થભાવે સમયદાન આપ્યુ, મહેનત કરી. પરિણામ જાહેર છે. અમે તેમણે બનાવેલા પેઈજ- ગ્રૂપમાં ગુજરાતની સાચી, વાસ્તવિક પરિસ્થિતિ મુકીને લોકોને ખોટી ભ્રમણામાંથી બહાર લાવીશું '' - શંકરસિંહ વાઘેલા.

વેબદુનિયા પર વાંચો