નરેદ્ર મોદીનું દિલ્હી ગમન ગુજરાત કોંગ્રેસને પ્રાણવાન કરશે?

બુધવાર, 23 જુલાઈ 2014 (12:48 IST)
ગુજરાત વિધાનસભામાંથી નરેદ્ર મોદીની એક્ઝીટ થતાં હવે કોંગ્રેસના મનોબળને પાંખો આવી છે. વિધાનસભામાં છોકરમત કરતી કોંગ્રેસ હવે ગૃહમાં સત્તાધીશ ભાજપ સરકારને ઘેરી રહી છે. મોદીની હાજરીમાં કોંગ્રેસના સીનીયર નેતાઓ પણ આ જુસ્સો દેખાડી શકયા નથી, હવે સ્થિતિ બદલાઈ છે.

ગુજરાત વિધાનસભાએ છેલ્લા તેર વર્ષ એવા દ્રશ્યો જોયા છે, જ્યારે ભાજપ સરકારના મંત્રીઓ વિપક્ષના નેતાને પણ દબડાવતા હોય. મંત્રીઓ તો ઠીક એક ભાજપના ધારાસભ્ય પણ કોંગ્રેસના ખેરખાંઓને વાકછટાથી પછાડી દેતા હોય. આ સ્થિતિમાં અચાનક પલટો આવ્યો છે, અને કોંગ્રેસ ગૃહમાં દમ દેખાડી રહી છે. છેલ્લા તેર વર્ષના સમયગાળાને કોઈ નામ આપવું હોય તો મોદીરાજ કહી શકાય. કોંગ્રેસ પોતાનો અવાજ ગૃહમાં બુલંદ કરી રહી છે, તેના પ્રમાણો મોદી દિલ્હી ગયાના આ પહેલા જ સત્રમાં મળી રહ્યાં છે. બજેટ સત્રમાં વિપક્ષે એક એક મુદ્દાઓ વ્યુહાત્મક ઉઠાવ્યા છે, અને ભાજપને ગૃહમાં પરેશાન કર્યો છે. 

કોંગ્રેસ માની રહી છે, કે નરેદ્ર મોદીના પ્રચાર સામે કોંગ્રેસને અવકાશ ન હતો હવે મોદી દિલ્હી ગયા, તો લોકોની કોંગ્રેસને જોવાની દ્રષ્ટિ બદલાઈ છે. 

ખાનગી વીજ ઉત્પાદન મામલે તો કોંગ્રેસના હુમલાઓથી ઉર્જામંત્રી એટલા પરેશાન થયા કે ગુસ્સો રોકી ન શકયા, અધ્યક્ષે દરમિયાનગીરી કરી અને ગૃહમાં કોંગ્રેસની ચળવળ થતા રહી ગઈ. અમદાવાદના પ્રોપર્ટી ટેક્ષનો મામલો કોંગ્રેસે ગૃહમાં અને બહાર એવો ગજવ્યો કે ભાજપ સરકારે પચાસ ટકા માફીની જાહેરાત કરવી પડી. જો કે ભાજપ માને છે કે આક્રમક થવા માટે જુસ્સો જોઈએ જે ગુજરાત કોંગ્રેસમાં મરી પરવાર્યો છે. નરેદ્ર મોદીનું દિલ્હી ગમન દેશને જે ફાયદો કરે તે, પણ કોંગ્રેસને પ્રાણવાન કરનારું સાબિત થયું છે.

વેબદુનિયા પર વાંચો