દેશ સમક્ષ રાજ પરિવારનો ઈતિહાસ મુકવો જોઈએ-મોદી

સોમવાર, 20 જૂન 2011 (12:46 IST)
PTI
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દુસ્તાનના રાજપરિવારોની અનેકવિધ ઉત્તમ અને ઉજ્જવળ પરંપરાઓના પ્રેરક ઈતિહાસનો સાચા અર્થમાં દેશ અને દુનિયા સમક્ષ મુકવાની હિમાયત કરી છે.

વાંકાનેર રાજપરિવારના ઉપકમે આજે વાંકાનેરના પેલેસમાં ગુજરાત અને રાજસ્થાનના 26 જેટલા રાજપરિવારો તરફથી નરેન્દ્ર મોદીનુ ગુજરાતના વિકાસના યશસ્વી શાસક તરીકે ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. દેશી રાજવાડાઓના આ પૂર્વરાજવીઓએ મુખ્યમંત્રીને રાજપરંપરા મુજબ તલવાર આપી પાઘ સાફો બાંધી વિશિષ્ટ સન્મામપત્ર એનાયત કરી ભાવભર્યુ અભિવાદન કર્યુ હતુ. આ પ્રસંગે વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા મોદી પક્ષમાં તેમને હાર્દિક આવકાર આપ્યો હતો. રાજ પરિવારોના સન્માનનો વિનમ્ર પ્રતિભાવ આપતા નરેન્દ્ર મોદીએ આ સન્માન તેમનુ વ્યક્તિગત નહી પણ 6 કરોડ ગુજરાતીઓના પુરૂષાર્થનું છે અને ગુજરાતનો જે ઉત્તમ વિકાસ થયો છે તેનુ તમામ શ્રેય ગુજરાતની જનતાના ચરણોમાં સમર્પિત છે એમ જણાવ્યુ હતુ. હિન્દુસ્તાનની સંસ્કૃતિ અને આદર્શ મૂલ્યોના ઈતિહાસને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મુકવાની જરૂર ઉપર ભાર મૂકતા નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, આ દેશની કમનસીબી રહી છે કે સમાજ તરીકે આપણે આપણી વિરાસતના ઈતિહાસથી ક્યારેક વિચલિત તો ક્યારેક ભૂલભલામણીમાં અટવાય ગયા છીએ. જે પ્રજા પોતાના ગૌરવમય ઈતિહાસની વિરાસતને ભૂલે છે તે નવો ઈતિહાસ રચી શકે જ નહી. આપણા દેશનાં આઝાદી પછીના શાસકોની ભારતના ઈતિહાસને વિકૃત કરવાની માનસિકતાથી દેશના ગૌરવપૂર્ણ ઈતિહાસનાં ઘણા તથ્યો અજએ પણ દુનિયા સમક્ષ મુકાયા નથી એમ તેમણે જણાવ્યુ હતુ.

વાંકાનેર યુવરાજ કેસરીદેવસિંહનો ભાજપામાં પ્રવેશ આવકારતા નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, તેમનો રાજકીય પક્ષ મેમ્બરશીપ નહી રિલેશનશીપમાં માને છે અને ભાજપા પ્રત્યે દેશની યુવાશક્તિ પ્રેરિત થઈ છે. ત્યારે વિકાસની રાજનીતિથી લોકતંત્રની સાચી તાકાત વધશે.

વેબદુનિયા પર વાંચો