દીવના સુંદર બીચ ગંદકીથી ખદબદી રહ્યા છે

શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2013 (11:43 IST)
P.R

દેશ અને વિદેશમાં ખ્યાતિ પામનાર સંઘપ્રદેશ દીવ તેના આકર્ષક દરિયા કિનારાને લઈ પર્યટકોની પહેલી પસંદ બન્યું છે. પરંતુ તંત્રની બેદરકારીના કારણે દીવના સુંદર બીચો બદસુરત થવા લાગ્યા છે.

એક તરફ દીવના બીચોને વધારે ખૂબસુરત બનાવવા ટુરિઝમ વિભાગ બણગા ફૂંકી રહ્યુ છે, તો બીજી તરફ દીવના બીચો પર સમગ્ર દીવની ગંદકી ઠલવાઈ રહી છે.એક સમયે સુંદર અને આકર્ષક ગણાતો ચક્રતીર્થ બીચ હવે ગંદકીના કારણે કદરૂપો બની રહ્યો છે.કારણ કે અહીં ગંદકીના ઢગ જામ્યા છે. ચક્રતીર્થ બીચ પર આસપાસની હોટલોના શૌચાલયોની ગંદકી પણ ઠાલવવામાં આવે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની મીઠી નજરને કારણે આ હોટલમાલિકો સામે કોઈ કાર્યવાહી કરાતી નથી. ગંદકીના કારણે દેશવિદેશના પર્યટકોથી હર્યાભર્યા રહેતા ચક્રતીર્થ બીચ પર હાલ શ્વાન મજા માણી રહ્યા છે.

સ્થાનિકોની માગ છે કે લોકોના આકર્ષણ એવા ચક્રતીર્થ બીચની સફાઈ કરી તેની સુંદરતા જાળવાય. અને ગંદકી ફેલાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, નહી તો પર્યટનસ્થળ તરીકે વખણાતા દીવને ગંદકીનો દાગ લાગી જશે.

વેબદુનિયા પર વાંચો