ત્રિનેત્રેશ્વર મહાદેવના શિખર પરથી જેનું હેલીકોપ્ટર પસાર થાય તેની સત્તા છીનવાઈ જાય! !

ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2013 (12:42 IST)
P.R
પ્રધાનમંત્રી બનવાના સપનાં નહીં જોતા હોવાનો અવારવાર ખુલાસો કરનાર ગુજરાતના મૂખ્યમંત્રીની આ વર્ષે તરણેતરના મેળામાં ગેરહાજરી સામાન્ય પ્રજામાં ચર્ચાનો વિષય બની રહી છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના શિખર પરથી જેનું હેલીકોપ્ટર પસાર થાય તેની સત્તા છીનવાઈ જતી હોવાની લોકવાયકા વચ્ચે મોદીએ તરણેતરના મેળામાં હાજરી આપવાની પરંપરા શરુ કરી હતી. આગામી ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે હજુ ભાજપ દ્વારા તેમના નામની સત્તાવાર જાહેરાત બાકી છે ત્યારે અત્યારથી તેઓ ગુજરાતને વિસરી રહ્યા હોવાનો ગણગણાટ તેમના વિરોધીઓમાં સાંભળવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભૂતકાળમાં ગુજરાતમાં માધવસિંહ સોલંકી, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન તરણેતરના મેળામાં આવ્યા હતા. આ મેળામાં હાજરી આપીને ગયા બાદ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ થઈ હતી. સમયાંતરે સત્તાપલટ થવાના સંજોગો સર્જાયા હતા. આ બનાવો પછી એક લોકવાયકાએ સ્થાન બનાવ્યું હતુ કે જેનું હેલીકોપ્ટર ત્રિનેત્રેશ્વર મહાદેવ શિખર પરથી પસાર થાય તે સતાધીશ તકલીફમાં મૂકાય છે.!

પ્રજાને સમસ્યાઓની પીડા ભૂલાવી દેવી હોય તો ઉત્સવ મેળાઓમાં જ તેને વ્યસ્ત રાખવી એવી ચાણકયની સલાહને આત્મસાત કરી સાર્થક રીતે તેનો અમલ કરવામાં સફળ રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તરણેતરના મેળા પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યુ હતુ. અહીની પરંપરાગત ગ્રામ્ય રમતોને ' ગ્રામ્ય ઓલિમ્પિક' સાથે મુલવી ભારે મહત્વ પ્રદાન કર્યુ હતુ. લોકવાયકાથી ઉભી થયેલી રાજકીય અંધશ્રદ્ધા અવગણીને મોદીએ તરણેતરના મેળામાં હાજરી આપવાનું શરુ કર્યુ હતુ.

આ વર્ષે તરણેતરના મેળામાં મોદીની ગેરહાજરી નોંધાતા રાજકીય ફલક પર તેના પ્રત્યાઘાત સાંભળવા મળી રહ્યા છે. જાણકારોનુ્ં કહેવું છે કે ભલે, વડાપ્રધાનપદના સ્વપ્ના નહીં જોતા હોવાનો ખુલાસો મુખ્યમંત્રી મોદીએ ભલે કર્યો હોય પરંતુ તેમનું હવે પછીનુ લક્ષ્ય સામાન્ય પ્રજાને સ્પષ્ટ થઈ ચૂકયું છે. રાજકારણમાં પોતાની મહત્વાકાંક્ષા માટે ગમે તેનો ઉપયોગ કરવો અને કામ પતી જાય એટલે જેટ ગતિએ તેને ભુલી જવા માટે નરેન્દ્ર મોદી જાહેરજીવનમાં ખાસ્સા પંકાયેલા છે. તરણેતરનો મેળો પૂર્ણતાના આરે છે. આ લખાય છે ત્યાં સુધી મુખ્યમંત્રીનો કોઈ કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્રને મળ્યો નથી. હાલ રાજસ્થાનનો પ્રવાસ કરી રહેલા નરેન્દ્ર મોદી તરણેતરનો મેળો અને ત્રિનેત્રેશ્વર મહાદેવને ભૂલી જાય એમાં તેના પરિચિતોને કોઈ આશ્ચર્ય જણાતું નથી.
P.R


અત્રે ઉલ્લેખનીય છે કે તરણેતરના મેળામાં હાજરી આપવા આવતા મુખ્યમંત્રી મોદી હંમેશા તેમનું હેલીકોપ્ટર ત્રિનેત્રેશ્વરના શિખર પરથી પસાર ન થાય એની કાળજી રાખતા હતા. તેમના પાયલટને તકેદારી રાખવાની સ્પષ્ટ સૂચના આપવાનું તેઓ કયારેય પણ ભૂલ્યા ન હોવાનું અંતરંગ સૂત્રો જણાવી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો