..તો નરેન્‍દ્ર મોદીને મારવાનું પાકિસ્‍તાની ષડયંત્ર સાબિત થયું હોત

ગુરુવાર, 3 માર્ચ 2016 (07:04 IST)
પુર્વ ગૃહ સચિવ જી.કે.પીલ્‍લાઇએ તાજેતરમાં ઇશરત જહાં એન્‍કાઉન્‍ટર સંદર્ભે કરેલા ખુલાસા બાદ રાજકીય ખળભળાટ મચી ગયો છે ત્‍યારે ઇશરત જહાંનું એન્‍કાઉન્‍ટર આઇબીના મળેલા ઇનપુટસ મુજબ યોગ્‍ય હોવાનું અને ત્રણેયની સંડોવણી લશ્‍કર એ તોયબા સાથે હોવાનું જે તે વખતે જમ્‍મુ-કાશ્‍મીર પોલીસે પણ જાહેર કર્યાનું સપાટી પર આવ્‍યું છે. 15 જુન-2004ના અમદાવાદ નજીક ઇશરત જહાં સાથે અમજદ અલી ઉર્ફે સલીમ ઉર્ફે બાબર  સહિત  બે   ત્રાસવાદીને એન્‍કાઉન્‍ટરમાં ઠાર મારવામાં આવ્‍યા હતા.

      ત્‍યાર બાદ 26 મી જુન-2004ના જમ્‍મુ અને કાશ્‍મીર પોલીસે લશ્‍કર એ તોયબાના કમાન્‍ડર સાહીદ મહેમુદને ઝડપી પાડયો હતો. જેની પુછપરછ બાદ ગુજરાત  સરકાર અને કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા થયેલા સોગંદનામામાં પ્રસ્‍થાપીત થયું હતું કે ઇશરત સાથે મારી પડાયેલો અમજદ અલી ઉર્ફે સલીમ ઉર્ફે બાબર એક પાકિસ્‍તાની આતંકી હતો.

      મહેમુદે એવું પણ સ્‍વીકાર્યુ હતું કે અમજદ અલી ઉર્ફે બાબરને લશ્‍કર એ તોયબાના સીનીયર કમાન્‍ડર મુઝમ્‍મીલ દ્વારા અમદાવાદમાં વીઆઇપીને ટાર્ગેટ બનાવવા મોકલાયો હતો.

      આ વચ્‍ચે 28 મી જુન-2004ના એટલે કે ઇશરતના એન્‍કાઉન્‍ટરના 13 દિવસ પછી મહેમુદ અને અન્‍ય પાકિસ્‍તાની ત્રાસવાદી જાહીદ હાફીઝને ઉભા કરાયેલા એન્‍કાઉન્‍ટરમાં આસ્‍તાન પોરા, શ્રીનગર બહારના પરામાં ગોળીએ દઇ દેવાયા હતા.

      જે તે વખતે જમ્‍મુ અને કાશ્‍મીર પોલીસે લશ્‍કર એ તોયબાનું નેટવર્ક પકડી પાડયાનો ખુલાસો કરી મહેમુદ અને જાહીદને સાધન સરંજામ પુરો પાડનાર 18 શખ્‍સોને ઝડપી પાડયા હતા. આ બધાનું જોડાણ અમદાવાદમાં ઠાર થયેલા એલઇટીના સભ્‍યો સાથે હોવાની શંકા દર્શાવાઇ હતી. જે 18 લોકો ઝડપાયા હતા તેમાં કાશ્‍મીરના મુખ્‍યમંત્રીના બંગલામાં ઇલેકટ્રીશ્‍યન તરીકે મુકાયેલો શખ્‍સ, એક પ્રધાનનો ડ્રાઇવર અને પોલીસમેનનો સમાવેશ થતો હતો. જો કે પાછળથી તેઓને જામીન પર છોડી દેવાયા હતા. મહેમુદ અને જાહીદ ગુજરાતમાં મારી પડાયેલા અમજદ અલી ઉર્ફે બાબર ઉર્ફે સલીમને ઓળખતા હોવાથી ઠાર મારવામાં આવ્‍યાનો મુદ્દો ઉઠયો હતો. જો કે તપાસ દરમિયાન જાહેર થવા છતા જે 18 લોકોનું ત્રાસવાદી નેટવર્ક ઝડપાયું હતું તેઓનો કબ્‍જો ગુજરાત પોલીસને સોંપવામાં આવ્‍યો ન હતો. સુત્રોના જણાવ્‍યા મુજબ ગુજરાત પોલીસની ટીમ શ્રીનગર પહોંચી હતી. અમજદ અલીને કાશ્‍મીરમાં આશરો આપનાર ચાર શખ્‍સોની તેમને પુછપરછ કરવી હતી પરંતુ તે પૈકી જમ્‍મુ-કાશ્‍મીર પોલીસે માત્ર 3 ની પુછપરછ કરવા દીધી હતી. આજે જયારે મહેમુદને લગતો ખુલાસો કરવામાં આવ્‍યો છે ત્‍યારે ઇશરત અને તેના સાથીદારો જે ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીને મારવાના આશયથી આવ્‍યા હતા તે ષડયંત્રનો ખુલાસો ટાંકવામાં આવ્‍યો ન હતો. જો આમ થયું હોત તો મોદીજીને મારવાના ષડયંત્ર સાથે આવેલા 3 પૈકી એક પાકિસ્‍તાની ત્રાસવાદી હોવાનું ફલીત થયું હોત

વેબદુનિયા પર વાંચો