જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ચોમાસાએ કેરળના સમુદ્ર કિનારે પોતાની દસ્તક આપી દીધી છે. કેરળમાં ચોમાસાની એન્ટ્રી થતાની સાથે જ ધોધમાર વરસાદ શરુ થયો છે અને આ ધોધમાર વરસાદના પગલે ભુસ્ખલન થવાથી ઈડુકી જિલ્લામાં એક વ્યક્તિના મોતના અહેવાલ પણ મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ ચોમાસુ આગામી ચાર દિવસમાં કર્ણાટક પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. તેમજ ગુજરાતમાં પણ નિર્ધારીત સમય કરતા પહેલા એટલે કે ૧૫ જુન સુધીમાં ચોમાસુ પહોંચે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે ત્યારે ચોમાસાના અહેવાલથી જ લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છ. કેરળના અનેક વિસ્તારમાં મંગળવાર મોડી રાત્રિથી જ મુસળાધાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પહેલા જ જણાવ્યુ હતું કે, ૮ જુન સુધીમાં ચોમાસુ કેરળ પહોંચી જશે.
ત્યારે કેરળમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખી તમામ સમુદ્રી કિનારે એલર્ટ જાહેર કરી દેવાયુ છે અને માછીમારોને સમુદ્રમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. એટલુ જ નહીં લોકોને પહાડી વિસ્તારમાંથી રાત્રિના સમયે મુસાફરી ન કરવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ ૧ જુન સુધી પહોંચી જતુ હોય છે અને ૧૫ જુલાઈ સુધીમાં ચોમાસુ સમગ્ર દેશને પોતાની પકડમાં આવરી લે છે. જોકે, ચાલુ વર્ષે રોનૂ વાવાઝોડાના કારણે ચોમાસાની ગતિ ધીમી પડતા નિર્ધારીત સમય કરતા એક સપ્તાહ મોડુ ચોમાસુ કેરળ પહોંચ્યુ છે. જોકે, હવે ચોમાસુ તેની સ્વાભાવિક ગતિમાં આગળ વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે તેમજ ચાલુ વર્ષે સામાન્ય કરતા પણ સારો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ
રહી છે.