તરણેતરનું તળાવ ઉપેક્ષાથી નિસાસા નાંખી રહ્યું છે

શનિવાર, 30 ઑગસ્ટ 2014 (15:37 IST)
'અરે ભાઈ! આ એ જ તળાવ છે જેના કાંઠે પાંડવોએ વનવાસ દરમિયાન ઘણાં દિવસો પસાર કર્યા હતાં. આ તળાવ તેઓને ઘણું પ્રિય હતું. પરંતુ આજે આ તળાવની હાલત જર્જરિત થઈ છે. પગથિયા તુટી ગયા છે. તળાવને કાંઠો નથી તેથી તળાવનો જીર્ણોધ્ધાર થવો જરૃરી છે' આ પ્રકારની લાગણી આજરોજ તરણેતરના ગ્રામજનોએ વ્યકત કરી હતી.

થાનગઢથી અંદાજે ૧૪ કિ.મી. દૂર આવેલા તરણેતર ગામની મુલાકાતે રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવી રહ્યાં છે. લગભગ દર વર્ષે અહી તરણેતરના મેળામાં રાજયના મુખ્યમંત્રી કે સીનીયર મંત્રીઓ આવતા રહ્યાં છે. પણ કોઈએ અહીના લોકપ્રશ્નો ઉકેલવાની તસ્દી લીધી નથી. દરમિયાન તરમેતરના વિકાસ સંદર્ભે આજરોજ ગામના ઉપસરપંચ શ્રી હામાભાઈએ જણાવ્યું હતું કે, ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલું જીલણીયુ તળાવ પૌરાણિક સમયકાળમાં બંધાયેલું છે તેના પગથિયા તુટી ગયા છે. પાણી દૂષિત થાય છે. કાંઠો બંધાયેલો નથી તેથી આ પ્રશ્નો અમોએ અગાઉ અહી મેળાની મુલાકાતે આવેલા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રજૂઆત કરી હતી. તેથી તેઓએ તળાવના જીર્ણોધ્ધાર માટે ૭ કરોડ ૭ લાખની યોજના પણ જાહેર કરી હતી. પરંતુ આજ સુધી આ તળાવના જીર્ણોધ્ધાર પાછળ ફદીયુ'ય વપરાયું નથી. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, જગપ્રસિધ્ધ મેળો અહીં ભરાતો હોવાને લીધે દેશ વિદેશના પર્યટકો અહી આવે છે. તેથી ગામમાં પાકા રસ્તા, પીવાના ચોખ્ખા પાણીની સુવિધા કે અન્ય જાહેર સુવિધા સારી હોવી જરૃરી છે. પરંતુ આ દિશામાં કયારેક પ્રયત્ન થયા નથી. લોકમેળાને કારણે ગ્રામપંચાયતને આવક કરતાં ઘણી વખત ખર્ચ વધુ થાય છે. તેથી વિકાસ કામો થઈ શકતા નથી. આ સંજગોમાં અહી લોકમેળાની મુલાકાતે આવતા મુખ્યમંત્રી સમક્ષ તરણેતરના ગ્રામજનો મંદિર સંકુલ અને ગામના વિકાસની યોજનાનો મુસદો રજૂ કરશે. સરકારની કૃપા ગામ ઉપર વરસશે તો અહીની સિકલ બદલાઈ જશે.


વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો

વેબદુનિયા પર વાંચો