ડ્યુટી સમયે જીન્સ પહેરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી

સોમવાર, 8 ફેબ્રુઆરી 2016 (16:40 IST)
ભરૂચના નવ નિયુક્ત એસ.પી.સંદીપ સિંહ દ્વારા એક નવું ફરમાન બહાર પાડી ફરજના કલાકો દરમ્યાન પોલીસકર્મીઓને જીન્સ-પેન્ટ ન પહેરવા આદેશ અપાયા છે. જેથી શિસ્તના પર્યાય ગણાતા પોલીસ કર્મીઓને ફોર્મલ કપડા પહેરવા જ સુચના આપવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, ભરૂચ જીલ્લાના નવ નિયુક્ત પોલીસ વડા સંદીપસિંહ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેનાથી સમગ્ર પોલીસ આલમમાં ખળભળાટ ઉભો થયો છે. ભરૂચ એસ.પી.સંદીપ સિંહ દ્વારા પરિપત્ર બહાર પાડી તમામ પોલીસ કર્મીઓને ફરજના કલાકો દરમ્યાન જીન્સનું પેન્ટ ન પહેરવા આદેશો અપાયા છે. સંદીપ સિંહે ચાર્જ સંભાળતાની સાથે જ તમામ પોલીસ મથકો અને શાખાઓમાં વિઝીટ કરી હતી, જેમાં મોટા ભાગના પોલીસ કર્મીઓએ જીન્સનું પેન્ટ પહેરેલું જોવા મળ્યું હતું. આથી જીલ્લા પોલીસ વડા દ્વારા પરિપત્ર બહાર પાડી જીન્સના પેન્ટ પર મનાઈ ફરમાવવામાં આવી છે. પોલીસ વિભાગ એ શિસ્તનું પર્યાય છે એવામાં પોલીસકર્મીઓ જ શિસ્તનો પાઠ ન શીખે તો પ્રજામાં તેની છબી ખરડાઈ છે આથી પોલીસની છબી સુધારવા પોલીસ વડા દ્વારા જીન્સનું પેન્ટ ન પહેરવા આદેશો અપાયા છે.

પોલીસ વિભાગમાં એલ.આઈ.બી.એસ.ઓ.જી.અને એલ.સી.બી સહિતની શાખાઓમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને યુનિફોર્મમાંથી મુક્તિ હોય છે. પરંતુ આ શાખાના પોલીસ કર્મીઓને પણ ફોર્મલ કપડા પહેરવા જ જણાવવામાં આવ્યું છે. અને પોલીસ કર્મીઓના ગણવેશની ચકાસણીની જવાબદારી હેડ ક્વાટરના ડીવાયએસપીને સોપવામાં આવી છે. જીલ્લા પોલીસ વડાના આ અભિગમને પોલીસ કર્મીઓ પણ આવકારી રહ્યા છે. તેઓનું પણ માનવું છે કે પોલીસ કર્મીઓએ શિસ્તમાં તો રહેવું જ જોઈએ.

આજનો આધુનિક યુગમાં જીન્સએ ફેશનનો પર્યાય બની ગયો છે. ત્યારે ભરૂચ જીલ્લા પોલીસ વડાના જીન્સ ન પહેરવાના ફરમાનથી ભરૂચ જીલ્લાના પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. કોઈ પોલીસકર્મી પ્રથમવાર જીન્સ પેન્ટ પહેરેલો દેખાશે તો તેને ચેતવણી આપવામાં આવશે. પરંતુ ત્યાર બાદ જો ફરી પકડાશે તો તેના પર પગલા પણ લેવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો