ટપાલ વિભાગ દ્વારા એક્સપ્રેસ પાર્સલ સેવા માટે સુરતની પસંદગી

શનિવાર, 7 ડિસેમ્બર 2013 (11:13 IST)
P.R
ખાનગી કુરિયર કંપનીઓ દ્વારા શરૃ કરવામાં આવેલી ઝડપી કુરિયર સર્વિસ અને સ્પીડી સર્વિસ સર્વર સામે સ્પર્ધામાં ટકી રહેવા ભારતીય પોસ્ટ વિભાગે એક્સપ્રેસ તેમજ બિઝનેસ પાર્સલ સેવા શરૃ કરવામાં આવશે. સુરત સહિત ભારતના મુખ્ય શહેરોમાં આ સેવા શરૃ કરવામાં આવશે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ એક્સપ્રેસ પાર્સલ સેવા માટે ગુજરાતમાં માત્ર એક સુરત શહેરની જ પસંદગી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા ગુજરાતના અન્ય મુખ્ય શહેરોની બાદબાકી કરવામાં આવી છે. પ્રાઈવેટ કુરિયર કંપનીઓ દ્વારા શરૃ કરવામાં આવેલી સ્પીડી સર્વિસ સર્વર સામે હરીફાઈમાં ટકવા પોસ્ટલ વિભાગ દ્વારા એક્સપ્રેસ તેમજ બિઝનેસ પાર્સલ સેવા શરૃ કરવામાં આવી છે. આ સેવામાં ઈ-કોમર્સ, કેશ ઝોન ડિલિવરી અને સીઓડીનો સમાવેશ થાય છે. પોસ્ટલ વિભાગના સેક્રેટરી પી ગોપીનાથના જણાવ્યા અનુસાર આ સેવામાંથી પોસ્ટલ વિભાગને એક જ વર્ષના ગાળામાં ૧૦૦ કરોડ રૃપિયાનો નફો થવાનું એક અનુમાન છે.

તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે બિઝનેસ પાર્લસ સેવા સમગ્ર દેશમાં પ્રાપ્ત થશે. જ્યારે એક્સપ્રેસ પાર્સલ સેવા શરૃઆતના તબક્કે દેશના ૨૦ મુખ્ય શહેરમાં શરૃ કરવામાં આવશે. આ શહેરોમાં દિલ્હી, એનસીઆર, આગરા, બેગલુરુર, ભુવનેશ્વર, ચેન્નઈ, પટણા, ગુવાહાટી, હૈદરાબાદ, ઈન્દોર, જયપુર, જમ્મુ, કોલકાતા, લખનૌ, લુધિયાણા, મુંબઈ, પુના, પરવાણે, શિલોંગ, સુરત અને તિરુવનતપુરમ્નો સમાવેશ થાય છે. આ સેવા રિટેલ સહિત જથ્થાબંધ પાર્સલ સેવા આપવા માગતા ગ્રાહકોને પણ પૂરી પાડવામાં આવશે. મોટા શહેરોની આસપાસના વિસ્તારોમાં પાર્સલ ડિલિવરી કરવા માટે એક પ્રાઈવેટ કંપની સાથે કરાર કરવામાં આવ્યો છે. જથ્થાબંધના ગ્રાહકો માટે પીકઅપ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. આ સેવાનો લાભ લેવા માગતા ગ્રાહકોએ પોસ્ટલ વિભાગ સાથે માસિક કરાર કરવાનો રહેશે.

વેબદુનિયા પર વાંચો