જૂનાગઢના એક એપાર્ટમેન્ટના ચોથા માળ સુધી ગાય ચઢીને પહોંચી ગઈ

શનિવાર, 3 સપ્ટેમ્બર 2016 (14:26 IST)
સમગ્ર ગુજરાતમાં રસ્તે રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. તંત્ર માત્ર બે મોઢાની વાતો કરે છે પણ કોઈ નક્કર પરિણામ આવે તેવું કોઈ કામ કરવામાં તંત્રને સહેજ પણ રસ હોય તેવું લાગતું નથી.  જૂનાગઢના કડીયાવાડમાં આવેલ મલ્હાર એપાર્ટમેન્ટના ચોથા માળે એક વાછરડુ ચઢી ગયું હતુ. બાદમાં ત્યાંજ ફસાઇ ગયુ હતુ. જેથી સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ટીમ  દોડી ગઇ હતી. જોકે ચોથા માળેથી બચ્ચાને ઉતારવામાં ફાયરની ટીમને એક કલાક સુધી કસરત કરવી પડી હતી. બાદમાં તેને બાંધીને નીચે હેમખેમ ઉતારવામાં આવ્યુ હતુ. પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના કડીયાવાડ વિસ્તારમાં આવેલા મલ્હાર એપાર્ટમેન્ટના ચોથા માળે આજે વહેલી સવારે એક વાછરડુ પગથીયા દ્વારા ચઢી ગયુ હતુ. જોકે બાદમાં તે નીચે ઉતરી ન શકતા છત પર જ આંટાફેરા કરતુ હતુ.જે અંગે એપાર્ટમેન્ટના સ્થાનિકોએ ફાયરની ટીમને જાણ કરતા ફાયરવિભાગના કમલેશ પુરોહિત, રાજીવ ગોહીલ,મુળુભાઇ ભારાઇ અને સ્ટાફ દોડી ગયો હતો. જોકે ફાયરની ટીમને જોઇ ડરી ગયેલા વાછરડાએ દોડાદોડ કરી મુકી હતી. જેથી ખુંટને પકડવામાં ફાયરની ટીમને એક કલાક સુધી જહેમત ઉઠાવી પડી હતી. બાદમાં તેને દોરડાથી બાંધી હેમખેમ નીચે ઉતારવામાં આવ્યો હતો.  વાછરડું નીચે ઉતરી જતા અને ખુંટને કોઇ ઇજા ન પહોચતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વેબદુનિયા પર વાંચો