જામનગરમાં બનાવાઈ વિશ્વની સૌથી લાંબી સાડી, સવા કિલોમીટર લાંબી સાડી કુળદેવીને અર્પણ કરાશે

સોમવાર, 19 સપ્ટેમ્બર 2016 (13:16 IST)
જામનગરમાં વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયત્ન થયો છે. સગર સમાજના લોકોએ તેઓની કુળદેવી માટે 1,111 મીટર લાંબી વિશાળ સાડી બનાવી છે. આ સાડીને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળી ગયું છે. અને હવે દુનિયાની સૌથી વિશાળ સાડી તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.જામનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પટાંગણમાં આજે વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જામનગરના સગર સમાજ દ્વારા તેમના આરાધ્ય દેવી દધાઈ માતાજી માટે 4 ફૂટ પહોળી અને 1,111 મીટર એટલે કે 3,695 ફૂટ લંબાઈની વિશાળ સાડી બનાવવામાં આવી છે. આ ચૂંદડીનું વજન માત્ર 40 કિલો જેટલું જ છે, ચૂંદડીને ખોલીને પ્રદર્શિત કરવામાં 100થી વધુ ભાવિકોની જરૂર પડી હતી. અને વિશાળ મેદાનમાં પાંચ રાઉન્ડમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સાડીને સીધા રસ્તા ઉપર મુકવામાં આવે તો સવા કિલોમીટર સુધીની લંબાઈ ધરાવે  છે.

વેબદુનિયા પર વાંચો