છેલ્લા ૯૦ વર્ષમાં સૌથી ખતરનાક વરસાદ

શનિવાર, 27 જૂન 2015 (16:40 IST)
ગુજરાતના સૌરાષ્ટ્રમાં હાલમાં અતિભારે વરસાદ થતાં ઘણા ભાગો જળબંબાકાર થઇ ગયા હતા. જો કે, આ વિસ્તારોમાં સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થયો છે પરંતુ અમરેલીમાં સૌથી વધારે માઠી અસર થઇ છે. છેલ્લા ૯૦ વર્ષમાં સૌથી ખતરનાક પુરની સ્થિતિ અમરેલીમાં સર્જાઈ છે. આના કારણે ૬૦૦ જેટલા ગામોને માઠી અસર થઇ છે. ૪૫૦૦થી પણ વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ૪૨૯ જેટલા ગામો હજુ પણ વિજપુરવઠા વગર રહેલા છે.

બીજી બાજુ પુરના કારણે મોતનો આંકડો પણ ખુબ ઉંચો પહોંચી ગયો છે. અમરેલી જિલ્લામાં ૩૬ લોકોના મોત થઇ ચુક્યા છે. આ જિલ્લાના ૮૩૮ ગામો પૈકીના ૬૦૦ જેટલા ગામો પુરના પાણીના સંકજામાં આવી ગયા છે અને અહીં હજુ પણ સ્થિતિ સુધરે તેવા સંકેત દેખાઈ રહ્યા નથી. રાહત ઓપરેશન રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ભારતીય હવાઈ દળ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા અટવાઈ પડેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી ચુક્યા છે.

ગઇકાલે જ આઈએએફના ચાર હેલિકોપ્ટર દ્વારા ૨૩ ઉંડાણ ભરવામાં આવી હતી અને ૫.૮૭ ટન ખાદ્યસામગ્રી ગામના લોકો માટે પહોંચાડવામાં આવી હતી. ઘણા બધા ગામોમાં રહેતા લોકો બુધવાર બાદથી તેમના છત ઉપર જ અટવાઈ પડ્યા છે. તેમને કોઇપણ સુવિધા મળી રહી નથી.

બીજી બાજુ ૪૦૦થી વધુ ગામો એવા છે જ્યાં રસ્તાઓ સંપૂર્ણપણે ડુબી ગયા છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે શેત્રુંજી નદી અને તેની સહાયક નદીઓમાં પાણીની સપાટી વધી ગઇ છે. રેડિયો કનેક્ટીવીટી પણ કપાઈ ગઇ છે.

ગાવડકા નજીક બ્રિજ તુટી પડતા રેલવે ટ્રેકને નુકસાન થયું છે. અમરેલીમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રાહત કામગીરીમાં સામેલ લોકોનું કહેવું છે કે, સ્થિતિને સામાન્ય બનાવવા ઓછામાં ઓછા ૨૦ દિવસ લાગી શકે છે. જો કે વરસાદ જારી રહેશે તો પરિસ્થિતિ વધારે વણસી શકે છે.

વેબદુનિયા પર વાંચો