ચાઇનીઝ, રશિયન, ચેકોસ્લોવકિયન ભાષામાં થશે સરસ્વતી માતાની આરાધના

ગુરુવાર, 16 ઑક્ટોબર 2014 (12:49 IST)
વાક્ એટલે વાણી અને વાણીની દેવી એટલે સરસ્વતી વાક્ બારસ એટલે સરસ્વતી માતાની આરાધનાનો દિવસ. સુરતમાં નર્મદ સાહિત્ય સભા દ્વારા મા સરસ્વતીની સાધના દર વર્ષે વાક્ બારસ પર્વ પર અનોખી રીતે કરવામાં આવે છે. આ વર્ષે આયોજીત કાર્યક્રમમાં ૧૨ જેટલી વિવિધ બોલી-ભાષામાં સુરતી સાહિત્ય પ્રેમીઓ કાવ્યપઠન કરી સરસ્વતીની સાધના કરશે.
૨૦મી ઓકટોબર સોમવારે સાંજે ૬ વાગ્યે ગોપીપુરા સ્થિત સાહિત્ય સંગમના સંસ્કાર ભવનમાં વિદ્યા અને વાણીની દેવીની વિશેષ રીત સાધના થશે. નર્મદ સાહિત્ય સભાના જનક નાયકે કહ્યું કે સરસ્વતી માતાની વિવિધ ભાષા અને બોલી દ્વારા સાધના કરવાના ઉદ્દેશ્યથી છેલ્લા ૪૦ વર્ષથી દર વાક્ બારસે આ કાર્યક્રમ કરવામાં આવે છે.

નર્મદ સાહિત્યના સભાના પ્રથમ પ્રમુખ ચિંતનકાર અને સાહિત્યકાર એવા વિષ્ણુપ્રસાદ દ્વિવેદીએ આ કાર્યક્રમ શરૃ કર્યો હતો. તેમનું માનવું હતું કે દરેક ભાષા અને લોક બોલીનું પોતાનું આગવું અને અનોખું માધુર્ય છે અને તે દરેકમાં વાણીની દેવી સરસ્વતીનો વાસ હોય છે. તેથી વિવિધ ભાષા અને બોલીમાં સાહિત્યક કૃતિઓનું પઠન કરી આ રીતે સરસ્વતી માતાની આરાધના કરવાનો આ ઉપક્રમ છે.

સંસ્કૃતમાં સરસ્વતી વંદનાથી કાર્યક્રમ શરૃ થશે. કાર્યક્રમમાં નયન દેસાઇ (ઉર્દુ, ફારસી), કપિલદેવ શુકલ (સંસ્કૃત), રવિન્દ્ર પારેખ (મરાઠી), બકુલેશ દેસાઇ (હિન્દી), જ્યોતિન્દ્ર લેખડીયા (ચાઇનીઝ), અશોક મોઇત્ર (બંગાળી), બર્નાલી શેઠ (બંગાળી), સુષ્મા ઐયર અને એન્જેલિકા (રશિયન), ડૉ. પ્રથમા ઐયર અને અલ્યોના (ચેકોસ્લોવકિયા), શકિલ શાહ (ઉર્દુ), પ્રજ્ઞાાવશી (પંજાબી), રીટા ત્રિવેદી (સંસ્કૃત), દિલીપ ઘાસવાળા (ગુજરાતી), વિપિન કિકાણી (લોકગીત), રેખાબેન શાહ (કચ્છી બોલી), શરદ દેસાઇ (લોકગીત) અને યામિની વ્યાસ (સુરતી) ભાષા બોલીમાં સાહિત્યીક કાવ્યપઠન કરશે.
પ્રથમ મૂળ ભાષામાં પઠન બાદ તેનો ગુજરાતી ભાવાનુવાદ થશે. વાક્ બારસ પર સરસ્વતીની શબ્દ સાધના માટે થનારા કવિતા યજ્ઞામાં આહુતિ આપવાની સૌએ તૈયારી કરી લીધી છે.



વેબદુનિયા પર વાંચો